પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતમાં જાહેર આરોગ્ય ઇજનેરી મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા હથિયારબંધ નકાબધારીઓએ અપહરણ કર્યું છે. હુમલાખોરોએ પહેલા મંત્રીની ગાડીના ટાયરો પર ગોળીબાર કરી વાહન રોક્યું અને પછી તેમને બંદૂકની અણીએ અજાણ્યા સ્થળે લઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં નકાબધારીઓ રસ્તો રોકતા જોઈ શકાય છે.
અપહરણ પાછળ કયું સંગઠન કે જૂથ જવાબદાર છે અને તેમની માંગ શું છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો ખૈબર પખ્તૂનખ્વાંના મલાકંદ વિસ્તારમાં થયો હતો.
આ ઉપરાંત, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના નેતા અને પ્રાંતીય ધારાસભ્ય શકીલ અહેમદને પણ નિશાન બનાવવાનો પ્રયાસ થયો હોવાના અહેવાલ છે. મલાકંદમાં તેમને અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો, જેનાથી પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે.
આ ઘટનાઓના વિરોધમાં PTI કાર્યકર્તાઓએ મલાકંદમાં બટ ખૈલા બાયપાસ પર ચક્કાજામ કર્યો અને ટાયરો સળગાવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. ખૈબર પખ્તૂનખ્વાંના માહિતી મંત્રી શફી જાને આ ઘટનાને બંધારણ, કાયદો અને જનતાના જનાદેશ પર સીધો હુમલો ગણાવ્યો છે. PTIના વરિષ્ઠ નેતાઓએ જવાબદારીની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો સમગ્ર પ્રાંતમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બનાવવામાં આવશે.