સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાન આર્થિક સંકટમાંથી બહાર આવવા ખનિજ સંપત્તિ વેચવા માટે વિદેશી કંપનીઓને આમંત્રણ આપશે

પાકિસ્તાન આર્થિક સંકટમાંથી બહાર આવવા ખનિજ સંપત્તિ વેચવા માટે વિદેશી કંપનીઓને આમંત્રણ આપશે

પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે પોતાની જમીન નીચેના ખનિજ ભંડારોને વિદેશી કંપનીઓને વેચવાની તૈયારી કરી રહ્યું છે. વડાપ્રધાન શહબાઝ શરીફની સરકાર અને સેનાપ્રમુખ ફિલ્ડ માર્શલ અસિમ મુનીર મળીને 12 અને 13 નવેમ્બર 2026ના રોજ યોજાનાર 'પાકિસ્તાન મિનરલ્સ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ' (PMIF)માં વિશ્વની મોટી ખનન કંપનીઓને રોકાણ માટે આમંત્રણ આપશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર એક એવો કાયદો તૈયાર કરી રહી છે જેથી પાકિસ્તાનના માઇનિંગ ક્ષેત્રમાં આવતી વિદેશી કંપનીઓને કાનૂની સુરક્ષા અને રોકાણની ગેરંટી મળી શકે. પ્રથમ તબક્કામાં ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનના ખનન ક્ષેત્રોને આંતરરાષ્ટ્રીય રોકાણ માટે ખોલવામાં આવશે, જ્યાં તાંબુ, સોનું, ક્રોમાઇટ અને કોલસા જેવા મોટા ભંડાર આવેલા છે. બલૂચિસ્તાનનો રેકો ડિક કોપર-ગોલ્ડ પ્રોજેક્ટ આનું મોટું ઉદાહરણ છે.

સૂત્રોએ આરોપ લગાવ્યો છે કે, ઇમરાન ખાનની પાર્ટી (PTI)ની અગાઉની સરકાર ખનન સાથે જોડાયેલા ઠેકાણાઓ આગળ વધારવામાં અડચણરૂપ બની રહી હતી. જોકે, આ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિ, નબળું માળખું અને રાજકીય અસ્થિરતા વિદેશી કંપનીઓ માટે મોટા પડકારો સાબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે દેશની વિદેશ નીતિ, રણનીતિ અને સરકારના મહત્વના નિર્ણયોમાં સેનાની ઊંડી ભૂમિકા હોય છે. આ નિવેદને પાકિસ્તાનના 'હાઇબ્રિડ સિસ્ટમ' પર ફરી ચર્ચા છેડી દીધી છે, જ્યાં ચૂંટાયેલી સરકાર હોવા છતાં સેના મુખ્ય નિર્ણયો પર પ્રભાવ ધરાવે છે.