સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાને મરિયમ કિયાનીને IMFમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા, હજુ મંજૂરી બાકી

પાકિસ્તાને મરિયમ કિયાનીને IMFમાં વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા, હજુ મંજૂરી બાકી

પાકિસ્તાન સરકારે BS-20 ગ્રેડના વરિષ્ઠ અધિકારી મરિયમ કિયાનીને વોશિંગ્ટન ડીસી સ્થિત આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના વરિષ્ઠ સલાહકાર તરીકે ત્રણ વર્ષ માટે ડેપ્યુટેશન પર નિયુક્ત કર્યા છે. પાકિસ્તાનના એસ્ટેબ્લિશમેન્ટ ડિવિઝન દ્વારા 7 ઓક્ટોબર 2026ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશનમાં આ જાહેરાત કરવામાં આવી છે.

નોટિફિકેશન મુજબ, મરિયમ કિયાનીની નિમણૂક તેઓ હોદ્દો સંભાળશે તે તારીખથી ત્રણ વર્ષ માટે અસરકારક રહેશે. નિર્ધારિત કાર્યકાળ પૂરો થતાં જ તેઓ આપોઆપ પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જશે. જોકે, વડાપ્રધાન કાર્યાલય દ્વારા તેમનું નામ પસંદ કરવામાં આવ્યું છે, પરંતુ આ નિમણૂક IMFની સત્તાવાર મંજૂરી બાદ જ અમલી બનશે.

મરિયમ કિયાની IMFમાં સૈફુલ્લાહ ડોગરનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ થોડા મહિનાઓ પહેલા પૂરો થયો હતો.

અહેવાલો અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા રચવામાં આવેલી વિશેષ કેબિનેટ સ્તરીય સમિતિએ આ પદ માટે ત્રણ નામોની શોર્ટલિસ્ટ કરી હતી. આમાં પ્રથમ નામ મરિયમ કિયાનીનું હતું, જેઓ પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (PAS)ના ગ્રેડ-20 અધિકારી અને ફાઇનાન્સ ડિવિઝનમાં જોઇન્ટ સેક્રેટરી છે. તેમના ઉપરાંત કસ્ટમ્સ ગ્રુપના ગ્રેડ-20 અધિકારી મોઅઝ્ઝમ રઝા અને ગ્રેડ-20 અધિકારી નદીમ અહેસાન પણ શોર્ટલિસ્ટમાં સામેલ હતા. વડાપ્રધાન શાહબાઝ શરીફે લાંબા વહીવટી અનુભવ અને યોગ્યતાને ધ્યાનમાં રાખીને મરિયમ કિયાનીના નામ પર પસંદગીની મહોર લગાવી હતી.

મરિયમ કિયાની આ નિમણૂક પહેલા ફાઇનાન્સ ડિવિઝનમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે કાર્યરત હતા અને તેમણે એક્સટર્નલ ફાઇનાન્સ વિંગમાં પણ સેવાઓ આપી છે. જાહેર વહીવટ, નીતિ, બાહ્ય નાણાકીય બાબતો અને આંતરરાષ્ટ્રીય ધિરાણ સંસ્થાઓ સાથે કામ કરવાનો તેમને 18 વર્ષનો અનુભવ છે. પાકિસ્તાનના 7 અબજ ડોલરના મહત્વપૂર્ણ એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) કાર્યક્રમ દરમિયાન પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે અમેરિકામાં 'હમ્ફ્રે ફેલોશિપ' તેમજ સિડની યુનિવર્સિટીમાંથી 'ઓસ્ટ્રેલિયા એવોર્ડ્સ સ્કોલરશિપ' મેળવી છે. આ ઉપરાંત તેમની પાસે કાયદાની ડિગ્રી સાથે FCA અને ACCAની વ્યાવસાયિક લાયકાત પણ છે.

નવી ભૂમિકામાં મરિયમ કિયાની IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની કચેરીમાં જોડાશે, જે પાકિસ્તાન સહિત આઠ દેશોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ એક્ઝિક્યુટિવ બોર્ડ સમક્ષ આવતા આર્થિક મુદ્દાઓ, આર્ટિકલ IV પરામર્શ અહેવાલ અને નીતિગત દસ્તાવેજો પર બોર્ડને સહાયતા કરશે.