સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાનના કોહાટમાં પોલીસ કાફલા પર આતંકી હુમલો, DSP સહિત 11 જવાન શહીદ

પાકિસ્તાનના કોહાટમાં પોલીસ કાફલા પર આતંકી હુમલો, DSP સહિત 11 જવાન શહીદ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં બુધવારે પોલીસ ટીમ પર મોટો આતંકવાદી હુમલો થયો છે. ગેરકાયદે ખનન સામે દરોડા પાડવા જતી પોલીસ ટીમ પર બંદૂકધારી આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક ડીએસપી સહિત 11 પોલીસકર્મીઓ શહીદ થયા છે અને 12 જવાનો ઘાયલ થયા છે.

કોહાટ પોલીસના પ્રવક્તા મોહમ્મદ નૌમાન જેબે ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે પોલીસ ટીમ ગેરકાયદે સોનાના ખનન સામે કાર્યવાહી માટે દરોડો પાડવા જઈ રહી હતી, ત્યારે રસ્તામાં ઘાત લગાવીને બેઠેલા બંદૂકધારીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

હુમલો કોહાટ અને કરક જિલ્લા વચ્ચે આવેલા દરબોકાચ જલંધર બાંદા વિસ્તારમાં થયો હતો. ગોળીબાર બાદ હુમલાખોરોએ પોલીસના પાંચ વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટના પછી સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ છે. હુમલાખોરોની ઓળખ અને તેમની સંખ્યા અંગે હજુ સ્પષ્ટ માહિતી મળી નથી.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ અને સુરક્ષા દળો પર હુમલા વધ્યા છે. આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટા (ACLED)ના આંકડા પ્રમાણે, પાકિસ્તાનમાં 2022માં 658 આતંકી હુમલા નોંધાયા હતા, જે 2025માં વધીને 2,425 થયા છે. એટલે કે ત્રણ વર્ષમાં હુમલાઓમાં લગભગ ચાર ગણો વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે દેશની સુરક્ષા સ્થિતિ સતત બગડી રહી છે.