પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના કોહાટ જિલ્લામાં શુક્રવારની નમાઝ દરમિયાન મસ્જિદ પાસે એક જોરદાર વિસ્ફોટ થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 16 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં પોલીસકર્મીઓ અને સામાન્ય નાગરિકો સામેલ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે એક આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈને જૂની પોલીસ લાઇન્સના ગેટ સાથે ટક્કર મારી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદનો બહારનો ભાગ સંપૂર્ણપણે તૂટી પડ્યો અને એક દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ અને ઘાયલોને બચાવવા માટે એમ્બ્યુલન્સ દોડી આવી. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
હાલમાં, વહીવટીતંત્રે કોહાટ-હંગુ રોડ બંધ કરી દીધો છે અને ઘાયલોની સંખ્યા વધતાં હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી સોહેલ અફરીદીએ ઘટનાનો સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે નિર્દોષ લોકોને નિશાન બનાવવું અક્ષમ્ય છે. તેમણે અધિકારીઓને ઘાયલોની તાત્કાલિક સારવારના નિર્દેશ આપ્યા છે. ગવર્નર ફૈસલ કરીમ કુંડીએ પણ વિસ્ફોટની નિંદા કરી છે.
ઉલ્લેખનીય છે કે કોહાટમાં અગાઉ પણ 2010માં પોલીસ કોલોનીમાં રિમોટ કંટ્રોલ બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 20 લોકોના મોત થયા હતા અને 90થી વધુ ઘાયલ થયા હતા.
આ વર્ષે પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં ભારે વધારો થયો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 990 આતંકી ઘટનાઓમાં 1129 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 મુજબ, પાકિસ્તાન બુર્કિના ફાસો પછી દુનિયાનો બીજો સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ બન્યો છે, જ્યારે 2024માં તે ચોથા સ્થાને હતો. ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે, જ્યાં દેશભરની 90% આતંકવાદી ઘટનાઓ બની છે.