પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટ શહેરમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ સમયે મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરી રહ્યા હતા.
કોહાટમાં ઓલ્ડ પોલીસ લાઇન્સ નજીક આવેલી આ મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. ખૈબર પખ્તુનખ્વાના ઇન્સ્પેક્ટર જનરલ (IG) ઝુલ્ફીકાર હમીદના જણાવ્યા અનુસાર, કોહાટ પોલીસ લાઇન્સની મસ્જિદમાં આ વિસ્ફોટ થયો છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિસ્ફોટકોથી ભરેલું એક વાહન ઓલ્ડ પોલીસ લાઇન્સ વિસ્તારમાં ઘૂસાડવામાં આવ્યું હતું.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. મસ્જિદ સહિત નજીકની કેટલીક ઇમારતોને પણ નુકસાન થયું છે. કાટમાળ નીચે હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધવાની શક્યતા છે.
વિસ્ફોટ બાદ પોલીસ અને સશસ્ત્ર હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. IG ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું હતું કે પોલીસ આતંકવાદ સામે મક્કમતાથી કાર્યવાહી કરી રહી છે અને આવા હુમલાઓ પોલીસના સંકલ્પને નબળો પાડી શકશે નહીં. હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રેસ્ક્યુ 1122ના પ્રવક્તા બિલાલ અહેમદ ફૈઝીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટની માહિતી મળતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમોએ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. વિસ્ફોટની તીવ્રતાને કારણે મસ્જિદ અને આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ ઘટનાની નિંદા કરી છે. તેમણે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાને ગંભીર ગણાવી છે અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ માંગ્યો છે.
હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ઘટનાસ્થળને સુરક્ષિત કરીને વધુ તપાસ હાથ ધરી છે. વિસ્ફોટ ચોક્કસ કેવી રીતે થયો, તેની પાછળ કોણ જવાબદાર છે અને હુમલાખોરોની ઓળખ શું છે, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા તપાસ પૂર્ણ થયા બાદ જ થશે.