સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રતિબંધ વચ્ચે પણ પાકિસ્તાનમાં ભારતીય સામાનની આયાતમાં 69% ઉછાળો, દુબઈ મારફતે છૂપો રસ્તો

પ્રતિબંધ વચ્ચે પણ પાકિસ્તાનમાં ભારતીય સામાનની આયાતમાં 69% ઉછાળો, દુબઈ મારફતે છૂપો રસ્તો

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર બંધ હોવા છતાં, પાકિસ્તાનમાં ભારતીય સામાનની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. પાકિસ્તાનના સેન્ટ્રલ બેંકના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પાકિસ્તાને ભારતમાંથી આશરે 5,876 કરોડ રૂપિયાનો સામાન આયાત કર્યો છે, જે અગાઉના સમાન ગાળાની તુલનામાં 69 ટકાનો વધારો દર્શાવે છે. આ સમયગાળામાં પાકિસ્તાને ભારતને એક પણ સામાન નિકાસ કર્યો નથી.

વર્ષ 2019ના પુલવામા હુમલા અને 2025માં પહલગામ હુમલા બાદ બંને દેશો વચ્ચે સરહદ અને વેપાર પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. મે 2025માં પાકિસ્તાને પણ ભારત સાથેનો વેપાર સ્થગિત કર્યો હતો. ત્યારે સવાલ થાય છે કે પ્રતિબંધો હોવા છતાં આ સામાન પાકિસ્તાન કેવી રીતે પહોંચી રહ્યો છે.

થિંક ટેન્ક 'ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ' (GTRI)ના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં ભારતીય ઉત્પાદનો, ખાસ કરીને દવાઓ, ફાર્માસ્યુટિકલ કાચો માલ, રસાયણો, પ્લાસ્ટિક અને ખેતીના ઉપકરણોની ભારે માંગ છે. આ માંગ પૂરી કરવા માટે 'ગ્રે-ઝોન સ્ટ્રેટેજી'નો ઉપયોગ થઈ રહ્યો છે.

આ રીતમાં ભારતમાંથી નીકળતો માલ સીધો પાકિસ્તાન જવાના બદલે દુબઈ, સિંગાપોર કે શ્રીલંકા જેવા ત્રીજા દેશના બંદરો પર મોકલવામાં આવે છે. આ ટ્રાન્ઝિટ હબ્સમાં માલના દસ્તાવેજો અને પેકેજિંગ લેબલ બદલીને 'કંટ્રી ઓફ ઓરિજિન' તરીકે ભારતની જગ્યાએ યુએઈ કે બીજો દેશ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નવા દસ્તાવેજો સાથે આ માલ પાકિસ્તાન મોકલી દેવામાં આવે છે, જેથી કાયદાકીય પ્રતિબંધો ટાળી શકાય.

આ આંકડા દર્શાવે છે કે સત્તાવાર પ્રતિબંધો વચ્ચે પણ પાકિસ્તાનની બજાર દવાઓ જેવી આવશ્યક ચીજો માટે ભારતીય ઉત્પાદનો પર નિર્ભર છે. જોકે, આ પ્રકારના વેપારના કારણે બંને દેશો વચ્ચેના સત્તાવાર પ્રતિબંધોની અસરકારકતા અંગે પણ પ્રશ્નો ઊભા થાય છે.