સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાન IMF-વર્લ્ડ બેંક બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષ, આશ્ચર્યજનક નિમણૂક

પાકિસ્તાન IMF-વર્લ્ડ બેંક બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષ, આશ્ચર્યજનક નિમણૂક

બેંગકોકમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) અને વર્લ્ડ બેંક ગ્રુપના જોઈન્ટ બોર્ડ ઓફ ગવર્નર્સના આગામી અધ્યક્ષ તરીકે પાકિસ્તાનની નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત બેઠકમાં હાજર ડેલીગેટ્સ સમક્ષ કરવામાં આવી, જેનાથી ઘણા આશ્ચર્યચકિત થયા હતા.

વર્ષ 1953 પછી પ્રથમ વખત પાકિસ્તાન આ ઔપચારિક અધ્યક્ષપદ સંભાળશે. 1950માં IMFમાં જોડાયા પછી પાકિસ્તાને 24 ઇમરજન્સી બેઇલઆઉટ પેકેજ અને વર્લ્ડ બેંક પાસેથી લગભગ 44 બિલિયન ડોલરની આર્થિક સહાય મેળવી છે. આથી વૈશ્વિક અર્થશાસ્ત્રીઓમાં આ નિમણૂક અંગે ચર્ચા થઈ રહી છે.

વોશિંગ્ટન સ્થિત IMFના મુખ્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ નિમણૂકને કોફી શોપના રિવોર્ડ કાર્ડ સાથે સરખાવી હતી. તેમણે કહ્યું કે, જેમ વારંવાર ખરીદી કરીને સ્ટેમ્પ એકઠા થાય એટલે ફ્રી કોફી મળે, તેમ પાકિસ્તાને વારંવાર લોનની અરજી કરીને આ પદ મેળવ્યું છે.

પાકિસ્તાનના આર્થિક મંત્રાલયે આ ઘટનાક્રમને પોતાની સિદ્ધિ ગણાવી છે અને આર્થિક મંત્રી અહદ ખાન ચીમાને આગામી અધ્યક્ષ જાહેર કર્યા છે. જોકે, આ નિમણૂકથી પાકિસ્તાનની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. દેશ હજુ પણ IMFના 7 બિલિયન ડોલરના પ્રોગ્રામ પર નભી રહ્યો છે અને તાજેતરમાં જ વધુ 1.2 બિલિયન ડોલરના નવા હપ્તા માટે વિનંતી કરી છે.

બોર્ડ ઓફ ગવર્નર્સની અધ્યક્ષતા મળવાનો અર્થ એ નથી કે IMF કે વર્લ્ડ બેંકના ભંડોળ પર પાકિસ્તાનનો અધિકાર થઈ જશે અથવા તેનું દેવું માફ થઈ જશે. આ પદ પ્રક્રિયાગત છે અને તેનાથી પાકિસ્તાનના દેવાની ચુકવણી કે શરતોમાં કોઈ ફેરફાર થશે નહીં.