સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાન હોકી ટીમે ભારત આવવાનો ઇનકાર કર્યો, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર

પાકિસ્તાન હોકી ટીમે ભારત આવવાનો ઇનકાર કર્યો, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર

૨૦૨૬ની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા પાકિસ્તાનની હોકી ટીમે ભારત આવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને સત્તાવાર જાહેરાત કરી છે કે તેમની ટીમ આ ટુર્નામેન્ટ માટે ભારતના પ્રવાસે નહીં જાય. આ સાથે જ પાકિસ્તાન આ મહત્ત્વપૂર્ણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે.

ટુર્નામેન્ટ ભારતના પંજાબ રાજ્યમાં મોહાલી અને જાલંધર ખાતે ૨૭ ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ ટુર્નામેન્ટમાં યજમાન ભારત ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની ટીમો ભાગ લેવાની છે. પાકિસ્તાનના નામ પરત ખેંચાતાં હવે રિઝર્વ યાદીમાં રહેલી બાંગ્લાદેશ અથવા ઓમાનમાંથી કોઈ એક ટીમને રમવાની તક મળી શકે છે.

પાકિસ્તાન હોકી ફેડરેશને એશિયન હોકી ફેડરેશન સમક્ષ માગણી મૂકી છે કે તેમની તમામ મેચો ભારતની બહાર કોઈ તટસ્થ સ્થળે ખસેડવામાં આવે. ફેડરેશનનું કહેવું છે કે તેઓ ભારત સહિત કોઈપણ ટીમ સામે રમવા તૈયાર છે, પરંતુ મેચ તટસ્થ સ્થળે યોજાવી જોઈએ. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં આ માગણી સ્વીકારાય તેવી શક્યતા ખૂબ ઓછી ગણાય છે.

ઉલ્લેખનીય છે કે માત્ર બે દિવસ અગાઉ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો હતો કે પાકિસ્તાનની હોકી ટીમ ભારત રમવા આવશે. પરંતુ પાકિસ્તાન હોકી ફેડરેશને પોતાના સત્તાવાર નિવેદનથી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.