સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાની ક્રિકેટર કિંગ ચાર્લ્સને મળવા ન પહોંચ્યો, સાતમાંથી એક ખેલાડી ગેરહાજર

પાકિસ્તાની ક્રિકેટર કિંગ ચાર્લ્સને મળવા ન પહોંચ્યો, સાતમાંથી એક ખેલાડી ગેરહાજર

લંડનઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટનમાં રમાનારી ત્રીજી ટેસ્ટ પહેલાં કિંગ ચાર્લ્સ ત્રીજાને મળી હતી. આ મુલાકાતમાં પાકિસ્તાનનો એક ક્રિકેટર સામેલ નહોતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા લોર્ડ્સ ટેસ્ટમાં ૧૯૪ રનની હાર બાદ સાત ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ખેલાડી પણ તે સાત ખેલાડીઓમાં સામેલ હતો.

પાકિસ્તાનના સમગ્ર દળને ક્લેરેન્સ હાઉસમાં કિંગને મળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આમાં ટીમમાંથી બહાર કરાયેલા સાતેય ખેલાડીઓનો પણ સમાવેશ થતો હતો. ક્રિકેટરોને કોઈ પણ ભોગે આ મુલાકાતમાં પહોંચવા માટે કહેવામાં આવ્યું હતું.

પાકિસ્તાન ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ૦-૨થી પાછળ છે.

બહાર કરાયેલા ખેલાડીઓમાંથી ચાર સામેલ થયા.

મુલાકાતનો હેતુ માત્ર ઈંગ્લેન્ડ આવેલી ટીમની કિંગ સાથેની સામાન્ય મુલાકાત નહોતો. પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ત્રીજી ટેસ્ટમાં દર્શકોની ઓછી સંખ્યાને લઈને પણ ચિંતા હતી.

મોહમ્મદ અવૈસ ઝફર, આમિર જમાલ, ખુર્રમ શહઝાદ અને અલી ઉસ્માન સહિત સાતમાંથી ચાર ખેલાડીઓ કાર્યક્રમમાં હાજર હતા. અન્ય બે ખેલાડીઓએ છેલ્લા એક અઠવાડિયામાં પીસીબી અને ટીમ સાથે બનેલી ઘટનાઓને કારણે આવવામાં ખચકાટ અનુભવ્યો હતો.

સાતમો ખેલાડી વિરોધમાં મુલાકાતમાં સામેલ થયો નહોતો. તેનું નામ સામે આવ્યું નથી.

કિંગે પાકિસ્તાની ટીમનો ઉત્સાહ વધાર્યો

આ ઘટના સિવાય મુલાકાતનું વાતાવરણ સામાન્ય રહ્યું. કિંગ ચાર્લ્સે પાકિસ્તાન ટીમ સાથે વાત કરી અને ખેલાડીઓનો ઉત્સાહ વધારનારી વાતો કહી.

કેપ્ટન બાબર આઝમે કિંગને હસ્તાક્ષર કરેલો બેટ આપ્યો. મોહસિન નકવીએ પણ તેમને એક ભેટ આપી. ત્રીજી ટેસ્ટ ૯ સપ્ટેમ્બરથી એજબેસ્ટનમાં રમાશે.

રિઝવાન, ઇમામ, સલમાન સહિત સાત ખેલાડીઓ બહાર

ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાન ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ૦-૨થી પાછળ છે. લોર્ડ્સમાં ૧૯૪ રનથી હાર્યા બાદ પીસીબીએ ત્રીજી ટેસ્ટ પહેલા સોમવારે સાત ખેલાડીઓને ટીમમાંથી મુક્ત કર્યા.

ટીમમાંથી મુક્ત કરાયેલા ખેલાડીઓમાં મોહમ્મદ રિઝવાન, ઇમામ-ઉલ-હક, સલમાન આગા, અલી ઉસ્માન, આમેર જમાલ, અવૈસ ઝફર અને ખુર્રમ શહેઝાદનો સમાવેશ થાય છે.

પાંચ અનકેપ્ડ ખેલાડીઓને તક, સઈમ-ફઝલની વાપસી

ટેસ્ટ ટીમમાં પાંચ અનકેપ્ડ ખેલાડીઓને સામેલ કર્યા છે. તેમાં અરાફાત મિન્હાસ, મોહમ્મદ ઇમરાન જુનિયર, સાદ બેગ, મોહમ્મદ ઇમરાન રંધાવા અને રઝાઉલ્લાહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૈમ અયુબ અને અબ્દુલ્લા ફઝલ પણ ટેસ્ટ ટીમ સાથે જોડાશે. વ્હાઇટ-બોલ ટીમના હેડ કોચ માઇક હેસન અને બોલિંગ કોચ એશ્લે નોફકેને ટેસ્ટ કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યા છે.