સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાનમાં ચીન નિર્મિત તારબેલા ડેમનો ભાગ તૂટ્યો, પૂર જેવી સ્થિતિ: ઈમરજન્સી જાહેર

પાકિસ્તાનમાં ચીન નિર્મિત તારબેલા ડેમનો ભાગ તૂટ્યો, પૂર જેવી સ્થિતિ: ઈમરજન્સી જાહેર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચીનની કંપની દ્વારા નિર્માણાધીન તારબેલા ડેમના પાંચમા વિસ્તરણ પ્રોજેક્ટ (ટી-5)નો એક ભાગ સોમવારે અચાનક તૂટી પડ્યો હતો. ટનલ ખોદકામ દરમિયાન નબળો ખડક તૂટતાં પાણીનો પ્રચંડ પ્રવાહ આસપાસના વિસ્તારોમાં ધસી ગયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને એક શ્રમિકને બચાવી લેવાયો છે.

પાકિસ્તાનની વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી (WAPDA)એ ઘટનાની પુષ્ટિ કરી છે. આ પ્રોજેક્ટનું નિર્માણ ચીનની પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઈના લિમિટેડ (PCCCL) દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કનેક્ટિંગ ટનલના ખોદકામ દરમિયાન નબળો ખડક અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે પાણી ટનલ અને નિર્માણાધીન પાવર હાઉસમાં ઘૂસી ગયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરીને બાંધકામનું કામ અટકાવી દેવામાં આવ્યું છે.

ઘટનાસ્થળે હાજર તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા એક શ્રમિકને રેસ્ક્યુ ટીમે બચાવી લીધો હતો. સ્વાબીના ડેપ્યુટી કમિશનર નસરૂલ્લાહ ખાને જણાવ્યું કે ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યું છે, જેથી સિંધુ નદીમાં જળસ્તર વધી શકે છે. નાગરિકોને સિંધુ નદીમાં સ્નાન, તરવા કે બોટ ચલાવવાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકો ભયભીત થઈને ભાગતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જુલાઈ મહિનામાં પણ આ પ્રોજેક્ટમાં કોફરડેમ તૂટવાની ઘટના બની ચૂકી છે. આ ઘટનાઓથી ચીની કંપનીઓની બાંધકામ ગુણવત્તા પર પ્રશ્નો ઉઠ્યા છે.

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની ક્ષમતા 1530 મેગાવોટની છે. વિલંબ અને ખામીઓને કારણે તેનો ખર્ચ 82 અબજ રૂપિયાથી વધીને 317 અબજ રૂપિયા સુધી પહોંચી ગયો છે. વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા ફંડિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તારબેલા ડેમની કુલ ક્ષમતા 4,888 મેગાવોટથી વધીને 6,418 મેગાવોટ થવાની અપેક્ષા છે, જેનો લક્ષ્યાંક જૂન 2028 છે.