સત્ય. સાહસ. સંકલ્પ.

WCLમાંથી પાકિસ્તાન ચેમ્પિયન્સ બહાર, 10 ઓક્ટોબરની ભારત-પાક મેચ રદ

WCLમાંથી પાકિસ્તાન ચેમ્પિયન્સ બહાર, 10 ઓક્ટોબરની ભારત-પાક મેચ રદ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)ની ત્રીજી સીઝનમાંથી પાકિસ્તાન ચેમ્પિયન્સે નામ પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ખેલાડીઓને રમવા માટે જરૂરી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાનો ઇનકાર કરતાં ટીમે સોમવારે આ નિર્ણય લીધો હતો. ટીમે કહ્યું કે તેઓ બોર્ડના નિર્ણયનું સન્માન કરે છે, પણ આવી મોટી ટૂર્નામેન્ટમાં રમી ન શકવાનો અફસોસ છે.

પાકિસ્તાન ચેમ્પિયન્સના માલિક કામિલ ખાને PCBને નિર્ણય પર ફરી વિચારવા વિનંતી કરી હતી. ટીમ અને બોર્ડ વચ્ચે બેઠક પણ થઈ, પણ સહમતી ન બની. આ વિવાદ ગત સીઝન સાથે જોડાયેલો છે. ગત સીઝનમાં રાજકીય તણાવને કારણે ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે રમવાનો ઇનકાર કર્યો હતો. તે પછી PCBએ આયોજકોની ટીકા કરી હતી અને પોતાના ખેલાડીઓ પર લીગમાં રમવા અંગે નિયંત્રણો મૂક્યા હતા.

અહેવાલો અનુસાર, PCBએ NOC આપવા માટે કેટલીક કડક શરતો મૂકી હતી. જેમાં ગત વર્ષે મેચ ન રમવા બદલ ભારતીય ખેલાડીઓ તરફથી લેખિત માફી અને બંને ટીમો વચ્ચે હાથ મિલાવવાની ખાતરી જેવી બાબતો સામેલ હતી. આયોજકોએ બોર્ડની કેટલીક શરતો સ્વીકારી લીધી, પણ માફી અને હાથ મિલાવવાની માંગ ફગાવી દીધી. વાતચીત નિષ્ફળ જતાં પાકિસ્તાન ચેમ્પિયન્સે ટૂર્નામેન્ટમાંથી હટવાનું નક્કી કર્યું.

પાકિસ્તાન ચેમ્પિયન્સના હટી જવાથી 10 ઓક્ટોબરે યોજાનારી ભારત ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ રદ થઈ ગઈ છે. WCL આયોજકોએ આ વાતની પુષ્ટિ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે ત્રીજી સીઝન હવે 6 ટીમો સાથે જ આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ચેમ્પિયન્સ WCLની અગાઉની બંને સીઝનમાં રનર-અપ રહ્યું હતું. 2024માં પ્રથમ સીઝનની ફાઇનલમાં તેને ભારત ચેમ્પિયન્સ સામે હાર મળી હતી, જ્યારે 2025ની ફાઇનલમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવ્યું હતું.