પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે દેશના 2,500થી વધુ સરકારી અધિકારીઓ પાસે બેવડી નાગરિકતા છે અને તેઓ વિદેશમાં કાયમી વસવાટનું આયોજન કરી રહ્યા છે. આ અધિકારીઓ પોર્ટુગલ જેવા દેશોમાં મોટા પ્રમાણમાં સંપત્તિ ખરીદી રહ્યા છે.
ખ્વાજા આસિફે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે અનેક ફેડરલ અધિકારીઓએ વિદેશોમાં પોતાના અડ્ડા બનાવી લીધા છે. સરકારી તપાસ રિપોર્ટ મુજબ, આ અધિકારીઓ કેનેડા, અમેરિકા, બ્રિટન અને યુરોપના દેશોમાં સ્થાયી થઈ રહ્યા છે, જ્યારે તેઓ પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ પદો પર બેસીને પગાર અને સુવિધાઓ માણી રહ્યા છે.
પોર્ટુગલ આ અધિકારીઓ માટે નવું મનપસંદ સ્થળ બની રહ્યું છે, કારણ કે તેની સરળ 'રેસિડેન્સી-બાય-ઇન્વેસ્ટમેન્ટ' અને ઇમિગ્રેશન નીતિઓ યુરોપિયન યુનિયનમાં મુક્તપણે હરવા-ફરવાની તક આપે છે.
નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનની કથળતી આર્થિક અને રાજકીય સ્થિતિને કારણે અધિકારીઓ દેશ છોડી રહ્યા છે. પૂર્વ ભારતીય ગુપ્તચર અધિકારી અને પાકિસ્તાન નિષ્ણાત તિલક દેવાશેરના મતે, નોકરશાહોને દેશની બગડતી હાલતની સૌથી પહેલા ખબર પડે છે, તેથી આ પલાયન સ્પષ્ટ ઈશારો કરે છે કે તેઓ ડૂબતા જહાજમાંથી ભાગી રહ્યા છે.