સત્ય. સાહસ. સંકલ્પ.

બલૂચિસ્તાનમાં સેનાના કાફલા પર આતંકી હુમલો, 23 સૈનિકોના મોતની આશંકા

બલૂચિસ્તાનમાં સેનાના કાફલા પર આતંકી હુમલો, 23 સૈનિકોના મોતની આશંકા

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક ગંભીર આતંકી હુમલો થયો છે. લાસબેલા જિલ્લાના કશારી વિસ્તારમાં નેશનલ હાઇવે (N-25) પર પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 23થી વધુ સૈનિકોના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રન્ટિયર ફોર્સના લગભગ 15 વાહનોનો કાફલો કશારી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકીઓએ તેને લક્ષ્ય બનાવ્યું. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સુરક્ષા દળનું એક વાહન સળગીને ખાખ થઈ ગયું.

હુમલા બાદ તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ઘાયલ સૈનિકોને સારવાર માટે નજીકના બેલા કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાએ હજુ સુધી આ હુમલા અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી, તેથી મૃતકો અને ઘાયલોનો આંકડો બદલાઈ શકે છે.

આ હુમલા પાછળ બલૂચ લિબરેશન આર્મી (BLA)નો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ સંગઠન બલૂચિસ્તાનમાં સુરક્ષા દળો, સરકારી સંપત્તિ અને મુખ્ય હાઇવે પર હુમલા કરતું આવ્યું છે. અગાઉ પણ BLA દ્વારા સેનાના કાફલાને નિશાન બનાવવામાં આવ્યા છે.

ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કરાચીને ક્વેટા સાથે જોડતો N-25 હાઇવે વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો છે. સુરક્ષાના કારણોસર આ હાઇવે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે.