સત્ય. સાહસ. સંકલ્પ.

યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાની તોપના ગોળાઓમાં ખામી, આર્ટિલરી કમાન્ડરનો દાવો

યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાની તોપના ગોળાઓમાં ખામી, આર્ટિલરી કમાન્ડરનો દાવો

યુક્રેન યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાં બનેલા દારૂગોળાની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. યુક્રેનની સેનાના ટોચના આર્ટિલરી કમાન્ડરે પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીઝ (POF) દ્વારા બનાવેલા 155mm તોપના ગોળાઓની ખામી અંગે ફરિયાદ કરી છે.

કમાન્ડરના દાવા મુજબ, આ દારૂગોળાના કેટલાક બેચમાં મોટી ખામી છે, જેના કારણે યુદ્ધના મેદાનમાં નિશાન સાધવાની ચોકસાઈ પર અસર પડે છે. તેમણે જણાવ્યું કે ગોળાઓની ગુણવત્તા ખરાબ હોવાથી તોપચી ટીમોને અલગ-અલગ બેલિસ્ટિક ડેટા અને ટેબલનો ઉપયોગ કરવો પડે છે. દરેક ઉત્પાદકના ગોળા માટે અલગ ગણતરી કરવી પડતી હોવાથી ફાયરિંગની તૈયારીમાં વધુ સમય લાગે છે અને ભૂલની શક્યતા વધે છે.

કમાન્ડરનું કહેવું છે કે કેટલાક બેચ બરાબર કામ કરે છે, જ્યારે કેટલાકમાં મોટી સમસ્યા જોવા મળે છે. આ ઉત્પાદન દરમિયાન ક્વોલિટી કંટ્રોલના અભાવ તરફ ઇશારો કરે છે. તીવ્ર યુદ્ધ દરમિયાન આવી ગરબડ સૈનિકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

અમેરિકન દસ્તાવેજોના આધારે દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં બનેલા 155mm દારૂગોળાના કોન્ટ્રાક્ટ આશરે 364 મિલિયન ડૉલરના હતા. આ સપ્લાય ત્રીજા પક્ષ કે અમેરિકી કાર્યક્રમો મારફતે યુક્રેનને પહોંચાડવામાં આવી હતી. આધુનિક યુદ્ધમાં મોટા પાયે વપરાતા M107 સ્ટાન્ડર્ડ હાઇ-એક્સપ્લોસિવ ગોળાઓ પાકિસ્તાને મોટી માત્રામાં સપ્લાય કર્યા હોવા છતાં, યુદ્ધના મોરચે તેની વિશ્વસનીયતા સામે ફરિયાદો ઊઠી છે.

યુક્રેન સંઘર્ષમાં દારૂગોળાની ભારે માંગ હોવાથી વિશ્વના અનેક દેશોમાંથી હથિયારો પહોંચી રહ્યા છે. તેમ છતાં, યુદ્ધના મેદાનમાં હથિયારોની વિશ્વસનીયતા જીવલેણ સાબિત થઈ શકે છે. યુક્રેની કમાન્ડરના આ દાવા બાદ હથિયારો પૂરા પાડતા દેશો અને ખાસ કરીને પાકિસ્તાન માટે પોતાના ઉત્પાદન તેમજ ક્વોલિટી ટેસ્ટિંગના નિયમો સુધારવા જરૂરી બની ગયા છે.