પાકિસ્તાને સોમવારે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં હવાઈ હુમલો કર્યો હતો. પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો છે કે આ હુમલામાં 28 આતંકવાદીઓ માર્યા ગયા છે. બીજી તરફ, તાલિબાન સરકારે જણાવ્યું છે કે કુનાર પ્રાંતમાં ત્રણ નાગરિકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે.
તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે કુનારમાં એક ઘર પર થયેલા હુમલામાં એક મહિલા અને બે પુરુષો માર્યા ગયા. પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં પણ બે સ્થળોએ બોમ્બમારો થયો હતો. અહીં એક ઘર અને દુકાનને નુકસાન થયું છે, પરંતુ કોઈના મૃત્યુની માહિતી મળી નથી.
મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાન આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનની ધરતી પરથી આતંકવાદીઓ તેની વિરુદ્ધ હુમલા કરી રહ્યા છે. જોકે તાલિબાન સરકાર આ આરોપોને નકારે છે.
પાકિસ્તાની હવાઈ હુમલા બાદ કુનારના નોરગુલ જિલ્લામાં ઘરોને નુકસાન થયું છે. લોકો કાટમાળની સ્થિતિનો તાગ મેળવતા જોવા મળી રહ્યા છે.
તાલિબાન સરકારે દાવો કર્યો છે કે પાકિસ્તાને સોમવારે અફઘાનિસ્તાન પર કરેલી હવાઈ હુમલામાં અમેરિકામાં બનેલો Mk82 બોમ્બ વાપર્યો હતો. અફઘાન સરકારે બોમ્બની ગાઇડન્સ સિસ્ટમનો એક ટુકડો પણ જાહેર કર્યો છે.
અફઘાન સરકારના જણાવ્યા મુજબ, આ ટુકડો Mk82 જનરલ-પર્પઝ બોમ્બનો છે અને સોમવારે સવારે થયેલા પાકિસ્તાની હુમલામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. Mk82 અમેરિકામાં બનેલો સામાન્ય ઉપયોગનો બોમ્બ છે. તાલિબાને હુમલામાં ઉપયોગમાં લેવાયેલા અમેરિકન Mk82 બોમ્બની તસવીર શેર કરી છે.
પાકિસ્તાન અને TTP વચ્ચે લડાઈ શા માટે? 2001માં અમેરિકાના અફઘાનિસ્તાન પરના હુમલા બાદ પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો. આથી TTP નારાજ થઈ ગયું, કારણ કે તે આને ઇસ્લામ વિરુદ્ધ માનતું હતું. TTPનું માનવું છે કે પાકિસ્તાન સરકાર સાચા ઇસ્લામને માનતી નથી, તેથી તે તેની વિરુદ્ધ હુમલા કરે છે. TTPના અફઘાન તાલિબાન સાથે ગાઢ સંબંધો છે. બંને જૂથો એકબીજાને સમર્થન આપે છે. 2021માં અફઘાન તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાને TTPને નિશાન બનાવીને અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા છે.