બાંગ્લાદેશના પ્રથમ પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ માટે રશિયાથી યુરેનિયમ લઈને આવતું કાર્ગો વિમાન નિર્ધારિત સમયે બાંગ્લાદેશ પહોંચી શક્યું નથી. પાકિસ્તાને એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) વાપરવાની પરવાનગી ન આપતાં 24 સપ્ટેમ્બર, 2026ના રોજ થનારી ડિલિવરી ખોરવાઈ ગઈ હતી.
એશિયાઈ ન્યૂઝ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, ઢાકાના હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સ્વીકારવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને અધિકારીઓ વિમાનની રાહ જોઈ રહ્યા હતા. બાંગ્લાદેશના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત સચિવ શેખ મોહમ્મદ તૌહિદુલ ઇસ્લામે જણાવ્યું કે રશિયાની પરમાણુ ઊર્જા કંપની રોસાટોમના સંપર્ક અધિકારીએ એરસ્પેસ ક્લિયર ન હોવાની માહિતી આપી. પાકિસ્તાને કયા કારણોસર હવાઈ ક્ષેત્ર બ્લોક કર્યું તે હજુ સ્પષ્ટ થયું નથી.
હવે આ કાર્ગોની ડિલિવરી માટે ઓક્ટોબરના પહેલા અઠવાડિયાની નવી તારીખ પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ વિલંબને કારણે રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટની કામગીરી પર અસર પડી છે.
રૂપપુર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બાંગ્લાદેશનો સૌપ્રથમ પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ છે, જે પબના જિલ્લાના રૂપપુર ગામમાં બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ રશિયાની રોસાટોમ કંપનીની ટેકનોલોજી અને બાંગ્લાદેશ એટોમિક એનર્જી કમિશનની દેખરેખ હેઠળ તૈયાર થઈ રહ્યો છે. પ્લાન્ટમાં થર્ડ જનરેશનના બે VVER-1200 રેક્ટર બનાવવામાં આવી રહ્યા છે, જેની કુલ ક્ષમતા 2,400 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની રહેશે.
અગાઉ આ પ્લાન્ટની યુનિટ-1 માટે લો એન્રિચ્ડ યુરેનિયમની પહેલી ખેપ કડક સુરક્ષા અને 'ગ્રીન કોરિડોર' બનાવીને સુરક્ષિત રીતે સાઇટ પર પહોંચાડવામાં આવી ચૂકી છે.