સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફરી તણાવ, ગુલિસ્તાનમાં અથડામણમાં તાલિબાનો ઠાર

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફરી તણાવ, ગુલિસ્તાનમાં અથડામણમાં તાલિબાનો ઠાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર ફરી તણાવ વધ્યો છે. પાકિસ્તાને ગુલિસ્તાન સરહદી વિસ્તારમાં અફઘાનિસ્તાન તરફથી થયેલા હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હોવાનો દાવો કર્યો છે. ગુરુવારે પાકિસ્તાની સુરક્ષા દળોએ કેટલાક અફઘાન તાલિબાનોને ઠાર માર્યા હોવાનું પાકિસ્તાની સુરક્ષા સૂત્રોએ જણાવ્યું છે. જો કે, આ હુમલા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી નથી.

પાકિસ્તાનનું કહેવું છે કે આતંકવાદીઓ તેમના ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સરહદ પર સંપૂર્ણ ચાંપતી નજર રાખવામાં આવી છે. સુરક્ષા દળો અને અફઘાન તાલિબાન વચ્ચે છૂટોછવાયો ગોળીબાર ચાલુ હોવાનું પણ સૂત્રો કહે છે. બીજી તરફ, અફઘાન તાલિબાને પાકિસ્તાનના આ આક્ષેપો પર તાત્કાલિક ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.

ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક પોલીસ મથક પર થયેલા હુમલામાં 24 લોકોના મોત બાદ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી શાંતિ ડહોળાઈ છે. આ ઘટનાએ બંને દેશો વચ્ચે ફરી તણાવનો માહોલ ઊભો કર્યો છે.

પાકિસ્તાની વાયુસેનાએ ગુરુવારે અફઘાનિસ્તાનમાં 10 સ્થળો પર હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, આ સ્થળોનો ઉપયોગ ડ્રોન લોન્ચ કરવા અને સંગ્રહ કરવા માટે થતો હતો. આ પહેલાં સોમવારે પણ પાકિસ્તાને સરહદી વિસ્તારમાં હવાઈ હુમલા કરીને 28 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો હતો. જ્યારે અફઘાન તાલિબાન અધિકારીઓએ આ હુમલામાં ત્રણ નાગરિકોના મોત થયા હોવાનો આરોપ મૂક્યો હતો.

પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાન પર સરહદ પારથી હુમલા કરતા ઇસ્લામિક આતંકવાદીઓને આશરો આપવાનો આરોપ મૂકે છે. જ્યારે અફઘાન તાલિબાન સરકાર આ આરોપોને નકારી કાઢે છે અને તેને પાકિસ્તાનની આંતરિક સમસ્યા ગણાવે છે.

આ બંને પડોશી દેશો વચ્ચે ફેબ્રુઆરીમાં વર્ષોનું સૌથી ભીષણ યુદ્ધ થયું હતું. ત્યારબાદ માર્ચમાં કાબુલ પર થયેલા પાકિસ્તાની હવાઈ હુમલામાં 400થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો અફઘાન તાલિબાને કર્યો હતો. અફઘાન તાલિબાનનું કહેવું છે કે આ હુમલો ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરને નિશાન બનાવીને કરાયો હતો. જો કે પાકિસ્તાને આ આરોપ ફગાવી દેતા કહ્યું હતું કે તેણે ચોકસાઈપૂર્વક લશ્કરી સ્થાપનો અને આતંકવાદી ઢાંચાને નિશાન બનાવ્યા હતા. હાલમાં બંને દેશો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.