પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં 10 અલગ-અલગ સ્થળોએ હવાઈ અને ડ્રોન હુમલા કર્યાની સત્તાવાર જાહેરાત કરી છે. પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારે જણાવ્યું કે આ સ્થળોનો ઉપયોગ ડ્રોન સ્ટોર કરવા અને હુમલા કરવા માટે થતો હતો. તેમાંથી કેટલાક ડ્રોનનો ઉપયોગ એક દિવસ પહેલા પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાની વાયુસેનાએ આ હુમલા મર્યાદિત લશ્કરી ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને ચોકસાઈપૂર્વક કર્યા હોવાનો દાવો કર્યો છે અને ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાન તરફથી વધુ ઉશ્કેરણીજનક પગલું ભરાશે તો મક્કમ જવાબ આપવામાં આવશે.
આ હુમલાઓ અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં થયા છે. ખોસ્ત પ્રાંતના પ્રવક્તા મુસ્તગફિર ગુરબાજે જણાવ્યું કે હુમલા પ્રાંતના કેટલાક વિસ્તારોમાં થયા, જોકે તેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ પહેલા પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં આવેલી એક પોલીસ મુખ્ય મથક પર થયેલા હુમલામાં આશરે 24 લોકોનાં મોત નીપજ્યાં હતાં. લગભગ 3 મહિનાની શાંતિ બાદ બંને દેશો વચ્ચે ફરી અથડામણો શરૂ થઈ છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આતંકવાદીઓના હુમલા અને સરહદ પારની ગતિવિધિઓને લઈને લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં પણ બંને દેશો વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો. ઇસ્લામાબાદ વારંવાર આરોપ લગાવે છે કે કાબુલ સરકાર પાકિસ્તાન વિરોધી આતંકવાદીઓને આશ્રય આપે છે, જ્યારે તાલિબાન સરકારે આ આરોપો નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે આંતરિક સુરક્ષા પાકિસ્તાનની પોતાની સમસ્યા છે.
તાજેતરની ઘટનામાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમે અફઘાનિસ્તાનની સરહદ પરથી છોડવામાં આવેલા ડ્રોન્સને ડિટેક્ટ કર્યા હતા, જેને નિષ્ક્રિય કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી. પાકિસ્તાને અગાઉ પણ અફઘાનિસ્તાન સરહદ નજીક હવાઈ હુમલા કરવાનો દાવો કર્યો હતો, જ્યારે અફઘાન તાલિબાન અધિકારીઓએ પાકિસ્તાન પર નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો છે.