પુલવામા હુમલા બાદ ભારત સાથે વેપાર બંધ થતાં પાકિસ્તાનને અત્યાર સુધીમાં આશરે 40 અબજ ડોલરનું નુકસાન થયું છે. પાકિસ્તાન-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (PIBC)ના અધ્યક્ષ નૂર મોહમ્મદ કસૂરીએ આ દાવો કર્યો છે. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારી સંબંધો ફરી શરૂ કરવાની અપીલ કરી છે.
કસૂરીના જણાવ્યા મુજબ, વેપાર બંધ થયા પછી પાકિસ્તાની કંપનીઓએ જરૂરી કાચો માલ અને ચીજવસ્તુઓ અન્ય દેશોમાંથી ખરીદવી પડી રહી છે. તેનાથી પરિવહન ખર્ચ અને સમય બંને વધ્યા છે.
દવા ઉદ્યોગ પર મોટી અસર થઈ છે. અગાઉ પાકિસ્તાનનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ભારતમાંથી કાચો માલ ખરીદતો હતો, હવે અન્ય દેશોમાંથી આયાત કરવાથી ખર્ચ વધ્યો છે. કસૂરીનો દાવો છે કે ભારતથી આયાત ફરી શરૂ થાય તો પાકિસ્તાન દર વર્ષે 2 થી 3 અબજ ડોલર બચાવી શકે છે.
કાપડ ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન ઘટતાં કાપડ કંપનીઓએ બ્રાઝિલ, ઈજીપ્ત, ચીન અને અમેરિકાથી કપાસ ખરીદવો પડ્યો છે, જેનાથી લગભગ 5 અબજ ડોલરનો વધારાનો ખર્ચ થયો છે.
કસૂરીના મતે, પાકિસ્તાન ભારત પાસેથી ખાંડ, ખાતર, સિમેન્ટ, પેટ્રોલિયમ ઉત્પાદનો, લોખંડ-સ્ટીલ, શાકભાજી અને ભારે મશીનરી ખરીદી શકે છે. ભારતની તેલ રિફાઇનરીઓ પાકિસ્તાનની નજીક હોવાથી પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવાથી ખર્ચ ઓછો થશે અને સામાન ઝડપથી પહોંચશે.