પાકિસ્તાનના સેનાધ્યક્ષ અસીમ મુનીરની દેશને 16 નવા પ્રાંતોમાં વહેંચવાની યોજનાને મોટો ઝટકો લાગ્યો છે. 14 નવેમ્બર 2026ના રોજ લાહોરના મોડલ ટાઉન ખાતે વડાપ્રધાન શહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી વચ્ચે યોજાયેલી બેઠકમાં બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું કે નવા પ્રાંતોની રચના અથવા તે અંગે જનમત સંગ્રહ માટે બંધારણીય જોગવાઈઓનું કડક પાલન અને સંસદની મંજૂરી ફરજિયાત રહેશે.
બેઠકમાં ગૃહમંત્રી મોહસિન નકવીએ નવા પ્રાંતો અંગે જનમત સંગ્રહ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, શહબાઝ અને ઝરદારીએ સંમતિ દર્શાવી કે જનમત સંગ્રહ કરાવવો કે નહીં અને જનતાને કયા પ્રશ્નો પૂછવા, તે તમામ નિર્ણયો સંસદની બહુમતીથી જ લેવાશે. આ નિર્ણયથી અસીમ મુનીર રાજકીય મોરચે અલગ-થલગ પડી ગયા હોવાનું મનાય છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સ્પષ્ટ કર્યું છે કે, સિંધ પ્રાંતનું વિભાજન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.
બેઠક દરમિયાન જેલમાં બંધ PTIના સ્થાપક ઈમરાન ખાનના મુદ્દે પણ વાતચીત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ઈમરાન ખાનની તેમના વકીલો સાથેની લાંબી મુલાકાત અને તેમની બે બહેનોની જેલમુક્તિને પડદા પાછળ ચાલી રહેલી કોઈ રાજકીય ડીલ સાથે કોઈ લેવાદેવા નથી.