અમદાવાદ: રાજ્યમાં શિયાળાની શરૂઆત થતાં જ નળસરોવર અને થોળ જેવા પક્ષી અભયારણ્યોમાં વિદેશી યાયાવર પક્ષીઓ આવતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરની સીમા પર આવેલા નાના ચિલોડા પાસેની નર્મદા કેનાલ પર અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. અહીં મોસમ પૂરતા નહીં, પણ આખું વર્ષ 'પેઇન્ટેડ સ્ટોર્ક' પક્ષીઓ કાયમી વસવાટ કરીને વિહરતા જોવા મળે છે.
સામાન્ય રીતે માછલી ખાતા આ પક્ષીઓ હવે કેનાલ કિનારે લોકો દ્વારા નંખાતા સેવ, ગાંઠિયા અને ચણ ખાતા જોવા મળે છે. સ્થાનિકો મજાકમાં તેમને "પ્યોર વેજિટેરિયન" કહી રહ્યા છે. જોકે, પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણવિદોનું કહેવું છે કે પક્ષીઓ ભલે લોકો આપેલો ખોરાક ખાતા હોય, પણ તેઓ પોતાની મૂળભૂત આહારની આદતો અને શિકાર કરવાની કુદરતી વૃત્તિ ભૂલતા નથી.
આ પક્ષીઓને જોવા માટે અમદાવાદીઓએ પક્ષી અભયારણ્ય સુધી લાંબો રસ્તો કાપવો પડે છે, પરંતુ પોતાના જ આંગણે કાયમી વસવાટ કરનારા આ મહેમાનોની કાળજી લેવામાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. કેનાલના કાંઠે મોટા પ્રમાણમાં પૂજાપો, ધાર્મિક સામગ્રી, પ્લાસ્ટિકની કોથળીઓ અને ગંદકીનો જમાવડો જોવા મળે છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ કચરાનો યોગ્ય નિકાલ કરવાને બદલે તેને કેનાલના કાંઠે જ સળગાવવામાં આવે છે. આ ઝેરી ધુમાડો અને પ્લાસ્ટિકનો કચરો પક્ષીઓ માટે તો પ્રાણઘાતક છે જ, પણ સાથોસાથ નહેરમાં વસતી માછલીઓ અને જળચર પ્રજાતિઓ માટે પણ ભારે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.
જો સમયસર તંત્ર અને સ્થાનિક નાગરિકો દ્વારા આ જગ્યાની સફાઈ અને પક્ષીઓના સંરક્ષણ અંગે યોગ્ય પગલાં નહીં લેવાય, તો અમદાવાદના આંગણે રહેલો આ કુદરતી વારસો છીનવાઈ જવાનું જોખમ છે.