સત્ય. સાહસ. સંકલ્પ.

પહલગામ હુમલાના ચારેય આરોપી ખતમ: સુરક્ષાદળોએ યાસિરને ઠાર માર્યો

પહલગામ હુમલાના ચારેય આરોપી ખતમ: સુરક્ષાદળોએ યાસિરને ઠાર માર્યો

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ 'ઓપરેશન અશદર' હેઠળ મોટી કાર્યવાહી કરી છે. બડગાંવ જિલ્લાના અશદર ગલીમાં થયેલા ઘર્ષણમાં લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની આતંકવાદી યાસિરને ઠાર મરાયો છે. યાસિર પહલગામમાં 22 એપ્રિલ, 2025ના ભીષણ આતંકી હુમલાનો મુખ્ય આરોપી હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. સુરક્ષાદળોએ આ હુમલાના તમામ 4 આતંકવાદીઓને ઠાર મારી કડક સંદેશ આપ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, યાસિર પાકિસ્તાનનો વતની હતો અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો. પહલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ ચાર મુખ્ય આતંકવાદીઓની તસવીર જાહેર કરી હતી. તેમાં સુલેમાન શાહ, જુનેદ રમઝાન, હાશિમ મૂસા અને યાસિર સામેલ હતા. અગાઉ ત્રણેયને અલગ-અલગ ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યા હતા.

જુલાઈ મહિનામાં 'ઓપરેશન મહાદેવ' દરમિયાન હાશિમ મૂસાને પણ ઠાર કરવામાં આવ્યો હતો. હવે યાસિરના મોત સાથે પહલગામ હુમલામાં સંકળાયેલા તમામ ચારેય આતંકવાદીઓનો ખાતમો થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલ 2025ના રોજ પહલગામ નજીક બૈસરાન ઘાટીમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 25 પ્રવાસીઓ અને 1 સ્થાનિક નાગરિક સહિત 26 લોકોના મોત થયા હતા. સુરક્ષાદળોએ આ ગુનેગારોને અલગ-અલગ ઓપરેશનમાં ખતમ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનેગાર ગમે ત્યાં ભાગી શકે છે, પરંતુ છૂપી શકતા નથી.