દિવાળી પર્વ બાદ પડતર દિવસનો ક્રમ સળંગ પાંચમાં વર્ષે પણ યથાવત્ રહ્યો છે. 2017થી 2026 દરમિયાન દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે પડતર દિવસ આવ્યો છે. આ વર્ષે 8 નવેમ્બરે દિવાળી, 9 નવેમ્બરે પડતર દિવસ અને 10 નવેમ્બરે બેસતું વર્ષ છે.
ચંદ્રની કળા મુજબ ગણતરી થતી હોવાથી તિથિમાં વધ-ઘટ થાય છે. જ્યારે સૂર્યોદય સમયે અમાસ હોય અને નવા વર્ષની તિથિ શરૂ ન થઈ હોય ત્યારે આ પડતર દિવસ આવે છે.
શું છે પડતર દિવસ? વાઘ બારસથી દિવાળી પર્વનું ઝુમખું શરૂ થાય છે, જેમાં પડતર દિવસે વિરામ પડે છે. કારણ કે ધનતેરસ, કાળી ચૌદસ પછી દિવાળી આવે છે, પરંતુ દિવાળી પછીનો દિવસ નૂતન વર્ષાભિનંદન હોતો નથી. એક ખાલી દિવસ હોય છે, આથી બેસતા વર્ષ માટે એક દિવસની રાહ જોવી પડે છે.
ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળા સાથે થાય છે. ચંદ્રની કળાના આધારે બનતી તિથિઓ આધારિત મહિનાઓ અને દિવસો વડે ગણતરી થાય છે. એક મહિનામાં ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેંચવામાં આવે છે, પરંતુ હકીકતમાં ચંદ્ર 30 કળાઓને 30 દિવસ કરતા ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે. આથી દર મહિને પંચાગમાં એક તિથિનો ક્ષય અથવા વધારો થાય છે. સામાન્ય રીતે સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને આખા દિવસ માટે ગણવામાં આવે છે.
ચંદ્ર 30 કળાઓને 30 દિવસ એટલે કે એક મહિનાના સમય કરતા પહેલા પૂરી કરી લે છે. આ ગણતરીના આધારે પંચાગમાં તિથિમાં વધ-ઘટ થાય છે, જેથી ઘણી વાર દિવસ દરમિયાન તિથિ બદલાઈ જાય છે. આવી ગણતરી મુજબ ધોકાના દિવસે સૂર્યોદય સમયે અમાસ હોય છે અને નવા વર્ષની તિથિ શરૂ થઈ હોતી નથી. નવા વર્ષનો પ્રથમ દિવસ અત્યંત મહત્ત્વનો હોય છે, જેનું સ્વાગત લોકો દેવદર્શન જવાથી કરે છે.
હવે વર્ષ 2032 સુધી પડતર દિવસ વગર દિવાળીના તહેવારોની ઉજવણી થઈ શકશે.