ન્યૂઝીલેન્ડ પ્રવાસે ભારતીય ટીમ T20I શ્રેણી રમી રહી છે. આ સાથે ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે યુવા બેટ્સમેનો ઇન્ડિયા A તરફથી ન્યૂઝીલેન્ડ A સામે અનઓફિશિયલ ટેસ્ટ રમી રહ્યા છે. આ શ્રેણીમાં દેવદત્ત પડિક્કલનું બેટિંગ સતત ચમકી રહ્યું છે.
ક્રાઇસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી અનઓફિશિયલ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ Aએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ખરાબ રહી અને ઓપનર યશસ્વી જયસ્વાલ પહેલી જ ઓવરમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલે બીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી.
સાઈ સુદર્શન 41 રન કરીને આઉટ થયો હતો. પડિક્કલે પોતાની લય જાળવી રાખી હતી અને 140 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 80 રન ફટકાર્યા હતા. ક્રિઝ પર સેટ થઈ ગયેલો પડિક્કલ 39મી ઓવરમાં ફ્રેઝર શીટના બોલ પર બોલ્ડ થઈ ગયો હતો. તે શતકથી માત્ર 20 રન દૂર રહી ગયો હતો.
પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ ડ્રો થઈ હતી, જેમાં પડિક્કલે બંને ઇનિંગ્સમાં સારું બેટિંગ કર્યું હતું. અત્યાર સુધીની 3 ઇનિંગ્સમાં તેણે 103.66ની એવરેજથી કુલ 311 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક શતક અને એક અર્ધશતક ફટકાર્યું છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 199 રન હતો.
ટેસ્ટ ટીમમાં નંબર 3ના ક્રમે છેલ્લા કેટલાક સમયથી સાઈ સુદર્શન રમી રહ્યો હતો. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં સુદર્શન ઇજાગ્રસ્ત થતાં પડિક્કલને તક મળી હતી અને તેણે તેનો ફાયદો ઉઠાવ્યો હતો.
હાલમાં સુદર્શન ફિટ થઈને ન્યૂઝીલેન્ડ A સામે રમી રહ્યો છે અને તેણે 3 ઇનિંગ્સમાં 132 રન બનાવ્યા છે. પરંતુ પડિક્કલનું પ્રદર્શન સુદર્શનની સરખામણીએ વધુ સાતત્યપૂર્ણ રહ્યું છે. આ પ્રદર્શનને જોતાં ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચોની મુખ્ય શ્રેણીમાં નંબર 3ના સ્થાન માટે પડિક્કલને પ્રથમ પસંદગી મળવાની શક્યતા છે.