ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં ખેડૂતો પોતાની ડાંગરની લણણી કર્યા બાદ તેને સૂકવવા માટે રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે. હાંસોટના રોહિદથી પંડવાઈ સુધીના અંદાજે 8થી 10 કિલોમીટરના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ડાંગર પાથરીને તડકામાં સૂકવવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લામાં ચાલુ ખરીફ સીઝન-2026 દરમિયાન કુલ 1,94,548 હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકોનું વાવેતર થયું છે. તેમાંથી 11,141 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લામાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકા ડાંગરની ખેતીનાં મુખ્ય કેન્દ્રો છે. અંકલેશ્વરમાં અંદાજે 2,200 હેક્ટર અને હાંસોટમાં 1,300 હેક્ટર સહિત બંને તાલુકાઓમાં કુલ 3,500 હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે.
ખેતરમાંથી લણણી કરીને લાવવામાં આવેલા ડાંગરમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી તેને વેચાણ પહેલાં સૂકવવું જરૂરી બને છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ડાંગરમાં અંદાજે 15 ટકા જેટલો ભેજ હોય તો બજારમાં ઓછો ભાવ મળવાની શક્યતા રહે છે. તેથી ખેડૂતો ડાંગરને ખુલ્લા તડકામાં પાથરીને બે-ત્રણ દિવસ સુધી સૂકવે છે. ત્યારબાદ તેને કોથળામાં ભરીને વેપારીઓને વેચાણ માટે આપવામાં આવે છે.
રોહિદથી પંડવાઈ સુધીના માર્ગ પર અનેક સ્થળોએ ડાંગર પાથરવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા ચારથી પાંચ વર્ષથી રસ્તા પર ડાંગર સૂકવવાની પ્રથા જોવા મળી રહી છે. અગાઉ ગામડાંઓમાં ડાંગર સૂકવવા માટે ખળીની સુવિધા ઉપલબ્ધ હોવાથી મુખ્ય માર્ગનો ઉપયોગ કરવાની જરૂર ઓછી રહેતી હતી. આ વર્ષે વરસાદ ન પડવાને કારણે પાક સૂકવવામાં સારી અનુકૂળતા રહી છે.
આ વર્ષે ડાંગરના ભાવમાં ગત વર્ષની સરખામણીમાં વધારો થયો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે પ્રતિમણ રૂ. 450ના ભાવે વેચાતું ડાંગર આ વર્ષે રૂ. 500થી રૂ. 520 સુધીના ભાવે વેચાઈ રહ્યું છે. આમ, પ્રતિમણ રૂ. 50થી રૂ. 70નો વધારો થયો છે. જોકે, ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે ઉત્પાદન થોડું ઘટ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેથી સારા ભાવ મળવા છતાં ઓછા ઉત્પાદનની અસર તેમની કુલ આવક પર પડી શકે છે.
ડાંગરની લણણી બાદ તેને સૂકવવા માટે હવામાન અનુકૂળ રહેવું જરૂરી છે. આ સમયગાળા દરમિયાન વરસાદ કે માવઠું થાય તો પાક ભીનો થવાની અને તેને ફરીથી સૂકવવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. જોકે, આ વર્ષે માવઠું ન થતાં ખેડૂતોને પાક સૂકવવામાં રાહત મળી છે.