ઓખા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ જાહેર મંચ પરથી ચૂંટણી અને ઉમેદવારો વિશે ચોંકાવનારા નિવેદનો કરતા સંભળાય છે. તેમના આ નિવેદનોએ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.
વાયરલ વીડિયોમાં પબુભા માણેક કહેતા સંભળાય છે કે તેમની પાસે કોઈ પણ ઉમેદવારને ખરીદવાની પૂરી તાકાત છે. તેઓ જાહેરમાં દાવો કરે છે કે માત્ર 20થી 25 લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેઓ ચૂંટણી બિનહરીફ કરાવી શકે છે. નાણાંના જોરે ચૂંટણી પરિણામ પ્રભાવિત કરવાનો આ દાવો લોકશાહી માટે ગંભીર ચિંતાનો વિષય છે.
વીડિયોમાં તેમણે સ્વર્ગસ્થ દિગ્ગજ ફિલ્મ કલાકારોનું પણ અપમાન કર્યાનું જણાય છે. જો કે વીડિયો ઉતારવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવતાં જ તેમના સૂર બદલાઈ ગયા હતા. આ ઘટનાએ ઓખા નગરપાલિકા ચૂંટણી પહેલા સ્થાનિક રાજકીય માહોલને ગરમ કરી નાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચની નિયમાવલી મુજબ ઉમેદવારોને ખરીદવા કે બિનહરીફ કરાવવા જેવી કોઈ પણ પ્રક્રિયા ગેરકાયદે છે. આવા દાવાઓ લોકશાહી પ્રક્રિયાની શુદ્ધતા પર સવાલ ઊભા કરે છે. સ્થાનિક લોકો અને રાજકીય વર્તુળોમાં આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.