સત્ય. સાહસ. સંકલ્પ.

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું વિવાદિત નિવેદન: 'રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થાય છે'

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનું વિવાદિત નિવેદન: 'રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થાય છે'

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાસભ્ય પબુભા માણેકે ચૂંટણી પ્રચાર દરમિયાન એક એવું નિવેદન આપ્યું છે, જેણે રાજકીય વાતાવરણમાં ચર્ચા શરૂ કરાવી છે. તેમણે કહ્યું કે રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ પણ થઈ શકે છે.

પબુભા માણેકે ઓખા નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન જનસભાને સંબોધતા કહ્યું, "હમણાં હું 25-50 ઓછા કરું તો ચૂંટણી બિનહરીફ થઈ જાય. બધા વેચાવા તૈયાર જ છે. સામે હવે કંઈ વધ્યું જ નથી. ચૂંટણીનો માહોલ આપણે જ બનાવવાનો છે."

તેમણે વધુમાં ઉમેર્યું કે ઓખા નગરપાલિકાની જનતાએ લોકશાહીના માર્ગે ચાલીને વર્તમાન નગરપાલિકાની ચૂંટણીમાં પરિવર્તન તરફ મતદાન કરીને જડબાતોડ જવાબ આપવો જોઈએ.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નજીક છે. કોંગ્રેસ પહેલેથી જ આ ચૂંટણીમાં પૈસાના જોરે અને ધાકધમકીના જોરે ઉમેદવારોને તોડવાનો તથા ટિકિટ પરત ખેંચાવવાનો આક્ષેપ કરી રહી છે. આ પૃષ્ઠભૂમિમાં ધારાસભ્યના નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં પૈસાનો ઉપયોગ અને ઉમેદવારોને પ્રભાવિત કરવાના આરોપો સમયાંતરે ચર્ચામાં રહે છે. ચૂંટણી પંચ દ્વારા આવા કિસ્સાઓમાં કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, હાલમાં આ મામલે કોઈ અધિકૃત ફરિયાળ કે તપાસ અંગે માહિતી સામે આવી નથી.