ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હજુ દૂર છે, પરંતુ રાજકીય વલણ ગરમાવો પકડી રહ્યું છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના માતાજીના માંડવા પ્રસંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પણ કોળી સમાજમાંથી હોવા જોઈએ.
12 નવેમ્બરે દ્વારકાની કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા માતાજીના માંડવા પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકીની ઉપસ્થિતિમાં પબુભા માણેકે જણાવ્યું કે, "મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ. તમારો સમાજ ગુજરાત લેવલે બીજા નંબરનો છે. આગળ જે થયું એ આપણા વડીલોએ બધું સારું જ કર્યું હશે, પરંતુ યુવાનોએ ખરેખર જાગવું જોઈએ."
તેમણે વધુમાં કહ્યું કે, "માણસ જન્મે ત્યારે તેના પર મા-બાપ, ગુરુ, તીર્થ અને સમાજ એમ ચાર ઋણ હોય છે. આજના સમયમાં સંગઠન જ સર્વસ્વ છે. સમાજનું ઋણ ઉતારવા જેની પાસે પૈસા હોય તે પૈસા આપે, હાજરી આપી શકે તે હાજરી આપે, કામ કરી શકે તે કામ કરે અને પીરસી શકે તે પીરસે."
પબુભાએ સમાજને કુરિવાજો અને વ્યસનો છોડવાની અપીલ કરતાં કહ્યું કે, "સમાજમાં રહેલા કુરિવાજો અને વ્યસનો છોડવા પર વિચાર કરવો જોઈએ. સમાજની વાડી એ સમાજનું કેન્દ્રબિંદુ છે, જ્યાં સમાજના દરેક દીકરા-દીકરી પોતાપણું અનુભવે છે." તેમણે ઉમેર્યું કે, "હીરાભાઈ, તેમનું કુટુંબ અને આગેવાનો જાગૃતિ લાવવા ખૂબ મહેનત કરે છે, પરંતુ આગેવાનો માત્ર રસ્તો ચીંધી શકે, અમલ સમાજે પોતે કરવો પડે છે. આજના જમાનામાં દીકરા-દીકરીઓને ભણાવવા અને કુરિવાજો તથા વ્યસનો છોડી વિકાસ સાધવા માટે દ્વારકાધીશને સૌને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરું છું."
ઉલ્લેખનીય છે કે, કોળી સમાજ ગુજરાતનો સૌથી મોટો સામાજિક અને રાજકીય રીતે નિર્ણાયક સમુદાયોમાંનો એક છે. રાજ્યની કુલ વસ્તીના આશરે 20થી 24 ટકા હિસ્સો ધરાવતા આ સમાજનું પ્રભુત્વ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે. તળપદા કોળી, ચુવાળિયા કોળી, ઘેડિયા કોળી અને ખાંટ કોળી જેવા જૂથોમાં વહેંચાયેલા આ સમાજની રાજકીય ભાગીદારી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ગણિત બદલવા સક્ષમ માનવામાં આવે છે.
આ પહેલાં રાજકોટના અમરાપુરમાં મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં કોળી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. તેમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ દાવો કર્યો હતો કે 2027ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા ફરી જંગી લીડથી જીતીને મંત્રી બનશે. જ્યારે કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ મંત્રી બાવળિયાને નિવૃત્તિ લેવાની સલાહ આપતાં કહ્યું હતું કે ભાજપ હવે જી-એન-ઝેડને ટિકિટ આપી રહી છે અને મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની તળાજા બેઠક પરથી ટિકિટ ફાઈનલ છે. આ નિવેદનોને પગલે કોળી સમાજમાં રાજકીય ચર્ચા તેજ બની છે.