રાજકોટમાં ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરતું નિવેદન આપ્યા બાદ ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. આ નિવેદનને લઈને પાટીદાર અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો છે, જ્યારે કોળી સમાજના આગેવાનોએ તેમની માંગણીને સમર્થન આપ્યું છે. આ વિવાદે ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિ આધારિત સમીકરણોનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે.
પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ પબુભા માણેકના નિવેદનને વખોડ્યું છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી કોઈ એક જ્ઞાતિ કે સમાજના નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના હોવા જોઈએ. મુખ્યમંત્રીની પસંદગી જ્ઞાતિ કે સમાજના આધારે નહીં, પરંતુ રાજ્યના હિતને ધ્યાનમાં રાખીને થવી જોઈએ. તેમણે ભૂતકાળમાં નાના સમાજની વ્યક્તિઓ પણ મુખ્યમંત્રી બની હોવાનું યાદ અપાવ્યું અને કહ્યું કે રાજકીય નેતાઓએ સમાજને જોડે તેવાં નિવેદનો કરવાં જોઈએ, વિભાજન થાય તેવાં નહીં. જ્ઞાતિવાદને બદલે ગુજરાતના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો.
બીજા પાટીદાર અગ્રણી વરુણ પટેલે પણ પબુભા માણેકના નિવેદન સામે આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે પબુભાને પડકાર ફેંકતા કહ્યું કે તેઓ સત્તા અને પૈસાના જોરે આવી વાતો કરી રહ્યા છે. વરુણ પટેલે આક્ષેપ કર્યો કે પબુભા પાર્ટીના જોરે ચૂંટણી જીતે છે. જો તેમનામાં ખરેખર તાકાત હોય તો પાર્ટીથી અલગ રહીને એકલા ચૂંટણી લડી બતાવે.
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. તેમણે પબુભા માણેકના નિવેદનને લઈને કટાક્ષ કરતાં સવાલ કર્યો કે મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય પબુભા કરશે કે અમિત શાહ? ઈટાલિયાએ પબુભાને સલાહ આપતા કહ્યું કે જો તેઓ ખરેખર કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગણી કરતા હોય તો ભાજપના ધારાસભ્યોને સાથે લઈને દિલ્હીમાં અમિત શાહને મળવા જાય અને તેમની સમક્ષ આ રજૂઆત કરે. ઈટાલિયાએ વધુમાં કહ્યું કે પબુભા આવો કોઈ કાર્યક્રમ રાખે તો તેઓ પણ તેમાં જોડાવા તૈયાર છે. જોકે, તેમણે પડકાર ફેંકતા કહ્યું કે પબુભામાં આ હિંમત છે કે નહીં તે જોવાનું રહેશે.
બીજી તરફ કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ પબુભા માણેકને સમર્થન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગણી નવી નથી, પરંતુ વર્ષો જૂની છે. અગાઉ પણ અનેક સમાજ દ્વારા આ પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે વર્ષોથી કરવામાં આવતી આ માગણી હવે પૂર્ણ થશે. પ્રવીણ કોળીએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો કે વસતીના પ્રમાણમાં કોળી સમાજને ચૂંટણીમાં ટિકિટ મળતી નથી.