ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણોમાં ઝડપી ફેરફાર થઈ રહ્યા છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વચ્ચે ચૂંટણી ગઠબંધન કરવા સહમતિ સધાઈ છે. આ બંને નેતાઓ ભાજપ અને વિપક્ષી ગઠબંધનો સામે ત્રીજો મોરચો ઊભો કરવા તૈયાર છે.
અહેવાલો અનુસાર, 12 નવેમ્બર 2026ના રોજ બપોરે 12 વાગ્યે લખનઉમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજાશે, જેમાં ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરાશે. આ દરમિયાન ગઠબંધનનું નામ અને રાજકીય હેતુ પણ જાહેર કરાશે. આ મોરચો ઉત્તર પ્રદેશની આશરે 150 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં છે અને અન્ય નાના પક્ષોને પણ સાથે જોડવાના પ્રયાસો કરી રહ્યો છે.
આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) એ ભીમ આર્મીની રાજકીય પાંખ છે. ચંદ્રશેખર આઝાદ અને વિનય રતન સિંહે 15 માર્ચ 2020ના રોજ બહુજન સમાજ પાર્ટી (BSP)ના સ્થાપક કાંશીરામની જન્મજયંતિ પર આ પાર્ટીની સ્થાપના કરી હતી. પાર્ટીનો હેતુ આંબેડકરવાદી વિચારધારા, દલિતો અને બહુજન સમાજના અધિકારોને રાજકીય મંચ પૂરો પાડવાનો છે.
વર્ષ 2014માં સ્થપાયેલી 'ભીમ આર્મી' શરૂઆતમાં સામાજિક સંગઠન તરીકે કાર્યરત હતી. ચંદ્રશેખર આઝાદે માયાવતીની BSP સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ન થતાં તેમણે સક્રિય રાજકારણમાં ઝંપલાવવા આ પાર્ટી બનાવી. આઝાદ સમાજ પાર્ટીની સ્થાપના વખતે સમાજવાદી પાર્ટી, BSP અને કોંગ્રેસના અનેક પૂર્વ નેતાઓ તેમાં જોડાયા હતા. પાર્ટી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી લડી ચૂકી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ચંદ્રશેખર આઝાદ યુપીની નગીના બેઠક પરથી 1.5 લાખથી વધુ મતોની સરસાઈથી જીતીને પાર્ટીના પ્રથમ સાંસદ બન્યા હતા.
ઓવૈસી સતત ત્રીજી વખત ઉત્તર પ્રદેશના ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. ભાજપને સત્તામાં આવતા રોકવા માટે તેમણે અગાઉ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને ગઠબંધન માટે અપીલ કરી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતાં આ વિકલ્પ અજમાવ્યો છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં AIMIMએ 38 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ એકપણ બેઠક પર જીત મેળવી શક્યા નહોતા અને તમામ 38 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. તે વખતે પાર્ટીને કુલ મતોના માત્ર 0.24% મત મળ્યા હતા. 2022ની ચૂંટણીમાં ઓવૈસીએ 103 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, પરંતુ ખાતું ખૂલ્યું નહોતું અને મોટા ભાગના ઉમેદવારોની જામીન જપ્ત થઈ હતી. જોકે, તે વખતે પાર્ટીનો વોટ શેર વધીને 0.43% થયો હતો.
આ નવા ગઠબંધનનું રાજકીય મહત્ત્વ એ છે કે ઓવૈસી પાસે મુસ્લિમ મતબેંક પર પકડ છે, જ્યારે ચંદ્રશેખર આઝાદને દલિત અને યુવા મતદારોનું સમર્થન મળે છે. બંને નેતાઓના એકસાથે આવવાથી રાજ્યમાં 'દલિત-મુસ્લિમ' સમીકરણ રચાઈ રહ્યું છે, જે આગામી ચૂંટણીમાં મુખ્ય પક્ષોના સમીકરણોને અસર કરી શકે છે.