સત્ય. સાહસ. સંકલ્પ.

ઓવરટેક બાબતે ઝઘડો, યુવકનું મોત; પોલીસે તપાસ શરૂ કરી

ઓવરટેક બાબતે ઝઘડો, યુવકનું મોત; પોલીસે તપાસ શરૂ કરી

જૂનાગઢ જિલ્લાના ધોરાજી પાસે ઓવરટેકને લઈને બે બાઇક સવારો વચ્ચે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. આ ઘટનામાં ધોરાજીના એક યુવકને ગંભીર ઇજા થઈ હતી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ધોરાજીથી જૂનાગઢ તરફ જતા માર્ગ પર તોરણીયાના પાટીયા નજીક આ ઘટના બની હતી. બંને બાઇક ચાલકો વચ્ચે ઓવરટેક કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન કેટલાક અજાણ્યા યુવકોએ ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા જયેશ વિંઝુડા નામના યુવક પર હુમલો કર્યો હતો.

મારામારીમાં જયેશના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના જૂનાગઢ જિલ્લા પોલીસના વિસ્તારમાં બનતા ધોરાજી પોલીસે જૂનાગઢ પોલીસને જાણ કરી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને મારામારીમાં સામેલ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.