સત્ય. સાહસ. સંકલ્પ.

છોટા ઉદેપુર: ₹10 કરોડના ખર્ચે પુલ રિપેર, તો પણ ભારે વાહનો પર પ્રતિબંધ, 100 ગામોને 20 કિમીનો વધારાનો ફેરો

છોટા ઉદેપુર: ₹10 કરોડના ખર્ચે પુલ રિપેર, તો પણ ભારે વાહનો પર પ્રતિબંધ, 100 ગામોને 20 કિમીનો વધારાનો ફેરો

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ઓરસંગ નદી પર આવેલા આશરે 300 મીટર લાંબા પુલનું સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યું છે. તેમ છતાં, પુલ પરથી હજુ સુધી ભારે વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી નથી. જેના કારણે સંખેડા તાલુકાના વાહનચાલકો અને આસપાસના 100થી વધુ ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ચોમાસા દરમિયાન ઓરસંગ નદીમાં પાણીના પ્રવાહને કારણે પુલની બાજુમાં બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. ગત વર્ષે વાહનવ્યવહાર માટે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. જો ડાયવર્ઝનના ધોવાઈ ગયેલા ભાગનું યોગ્ય રીતે સમારકામ કરીને તેને ફરી વાહનવ્યવહાર માટે ખોલવામાં આવે, તો હાલની સમસ્યામાંથી વાહનચાલકોને રાહત મળી શકે છે.

સંખેડા તાલુકાને અન્ય વિસ્તારો સાથે જોડતો આ માર્ગ અત્યંત મહત્ત્વનો છે. ઓરસંગ નદીના સામેના કાંઠે આવેલા અનેક ગામોના લોકો માટે આ માર્ગ મુખ્ય જોડાણ છે. પુલ પરથી ભારે વાહનોને પસાર થવાની મંજૂરી ન હોવાથી ટ્રક, ટેમ્પો સહિતના મોટા વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.

હાલ વાહનચાલકોને અંદાજે 20 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે. જેના કારણે સમય બગડે છે અને વધારાનો ડીઝલ તથા પરિવહન ખર્ચ પણ ભોગવવો પડે છે. ખાસ કરીને રોજિંદા ધંધા-રોજગાર માટે અવરજવર કરતા લોકો અને માલસામાનની હેરફેર કરતા વાહનચાલકોને આ સ્થિતિમાંથી પસાર થવું પડે છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, જ્યારે પુલનું રિપેરિંગ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે ભારે વાહનોની અવરજવર અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. અથવા જ્યાં સુધી પુલ પર ભારે વાહનોને મંજૂરી ન અપાય, ત્યાં સુધી ડાયવર્ઝનનું મજબૂત અને કાયમી ધોરણે સમારકામ કરીને વાહનવ્યવહાર શરૂ કરવો જોઈએ.

સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોની માંગ છે કે, સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લે, ધોવાઈ ગયેલા ડાયવર્ઝનનું રિપેરિંગ કરાવે અને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકે. જેથી સંખેડા સહિત 100થી વધુ ગામોના લોકોને 20 કિલોમીટરના વધારાના ફેરામાંથી રાહત મળે.

કરોડો રૂપિયાના ખર્ચે પુલનું રિપેરિંગ થયા બાદ પણ જો વાહનવ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા ન હોય, તો તેનો સીધો બોજ સામાન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો પર પડે છે. ત્યારે તંત્ર દ્વારા આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવો જોઈએ તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.