સોશિયલ મીડિયા પર ચર્ચિત ઓરી (ઓરહાન અવત્રામણી)એ એક્ટ્રેસ સારા અલી ખાન અને તેની માતા અમૃતા સિંહ સાથેના સંબંધોમાં થયેલા તિરાડ પર ફરી ખુલાસો કર્યો છે. નેહા ધૂપિયા અને અંગદ બેદીના પોડકાસ્ટ ‘ડબલ ડેટ’માં તેણે જણાવ્યું કે અમૃતા સિંહે તેને ગાળો આપી હતી અને સારાએ મુશ્કેલ સમયમાં તેનો સાથ છોડી દીધો હતો.
ઓરીએ કહ્યું કે સારા તેની બાળપણની મિત્ર જેવી હતી. તેઓ કોલેજમાં સાથે હતા અને ત્યારબાદ 10 વર્ષ સુધી સારા મિત્રો રહ્યા. જ્યારે સારા એક મોટા વિવાદમાં ફસાઈ હતી, ત્યારે ઓરીએ તેનો સાથ આપ્યો હતો અને તેની માતા તથા ભાઈની પણ સંભાળ રાખી હતી. જોકે, જ્યારે ઓરી પોતે મુશ્કેલીમાં હતો ત્યારે સારાએ તેને ફોન પણ કર્યો નહીં.
ઓરીએ જણાવ્યું કે તેણે સારાને અનફોલો કરી દીધી છે કારણ કે તે મિત્રતાનો ઢોંગ કરવા માંગતો નથી. તેણે આરોપ લગાવ્યો કે અમૃતા સિંહે તેને ગાળો આપી હતી અને લોકો સામે તેની ખરાબ વાતો કરી હતી. સારાએ આજ સુધી તેની માફી માંગી નથી.
બદલો લેવાના સ્વભાવ અંગે ઓરીએ કહ્યું, “હું મનમાં વેર રાખું છું અને વર્ષો સુધી રાખું છું. હું બદલો લેવાનું પ્લાનિંગ કરું છું. જો તમે મને તકલીફ આપી હોય તો હું કર્મના ભરોસે બેસી નહીં રહું. હું પોતે બદલો પ્લાન કરું છું. તેમાં વર્ષો લાગી શકે છે, પણ તે ત્યારે આવશે જ્યારે તમને જરાય આશા નહીં હોય.”
આ પહેલા એક ઈન્ટરવ્યુમાં ઓરીએ જણાવ્યું હતું કે 2021માં અમૃતા સિંહના વર્તનને કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો અને તેનું જીવન નરક બની ગયું હતું. જોકે, તે અનુભવે તેને મજબૂત બનાવ્યો.
ઉલ્લેખનીય છે કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઓરીએ એક રીલ શેર કરી જેમાં તેણે સારા, અમૃતા અને પલકને ‘છોકરીઓના ત્રણ સૌથી ખરાબ નામ’ ગણાવ્યા હતા. આ પછી સારા અને તેના ભાઈ ઇબ્રાહિમે ઓરીને અનફોલો કરી દીધો હતો. બાદમાં ઓરીએ સારાની ફિલ્મો પર કટાક્ષ કરતું ટીશર્ટ પહેરીને વિવાદને વધુ ભડકાવ્યો હતો.