સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને બોલિવૂડમાં લોકપ્રિય ઓરહાન અવત્રામણી ઉર્ફે ઓરીના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. તે જયપુરમાં લગ્ન કરવા જઈ રહ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે. ઓરીના લગ્નનું આમંત્રણ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. દેશભરમાંથી ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને મોડલ્સ જયપુર પહોંચી રહ્યા છે.
જયપુરના કૂકસ સ્થિત ફેરમોન્ટ હોટેલમાં 26 અને 27 સપ્ટેમ્બરે આ આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. ફેરમોન્ટ જયપુર મોટા સામાજિક કાર્યક્રમો અને લગ્નો માટે જાણીતું છે.
જયપુર એરપોર્ટ પર ઓરીના મહેમાનોનું સ્વાગત કરવા માટે ટીમ હાજર છે. શુક્રવારથી જ જયપુર એરપોર્ટ પર હલચલ જોવા મળી રહી છે. ઘણા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને મોડલ્સ જયપુર પહોંચ્યા છે. તેમને એરપોર્ટ પર રિસીવ કરવા માટે ટીમના સભ્યો પણ જોવા મળ્યા. તેમના હાથમાં બોર્ડ જોવા મળ્યા, જેના પર ‘ઓરીના ગેસ્ટ’ લખેલું હતું.
ઓરીના લગ્નના નામે એક કાર્ડ પણ સામે આવ્યું છે. આ કાર્ડમાં 26 અને 27 સપ્ટેમ્બરને ‘વેડિંગ વીકએન્ડ’ તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કાર્ડ તમામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને મોડલ્સને મોકલવામાં આવ્યા છે. કાર્ડને વિધિવત્ લગ્નના આમંત્રણની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. મહેમાનોને આપવામાં આવતા આમંત્રણ સાથે ચોકલેટનું બોક્સ પણ સામેલ છે. કાર્ડમાં બંને દિવસોના કાર્યક્રમો માટે અલગ-અલગ નામ રાખવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર આયોજન કોઈ રોયલ ડેસ્ટિનેશન વેડિંગ જેવું લાગી રહ્યું છે.
કાર્ડ અનુસાર, 26 સપ્ટેમ્બરની રાત્રે 8 વાગ્યાથી ‘મેહફિલ-એ-સૂફિયાના’નું આયોજન કરવામાં આવ્યું છે. તેને સંગીત અને લાઇવ પરફોર્મન્સવાળી સુરીલી સાંજ તરીકે રજૂ કરવામાં આવી છે. આ સમગ્ર આયોજનનું પ્રથમ મોટું સેલિબ્રેશન હશે.
27 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ‘રંગ-એ-ઇશ્ક’ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યાથી ‘શાદી મુબારક’ નામે સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે. કાર્ડમાં સરપ્રાઇઝ પરફોર્મન્સ અને મનોરંજનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જ ‘શાદી મુબારક’ નામ સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે. કાર્ડ જોઈને પહેલી નજરમાં તેને ઓરીના લગ્નનું આમંત્રણ માનવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ લગ્ન નકલી છે. જયપુરમાં 'ફેક વેડિંગ’ કૉન્સેપ્ટ પર એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ આયોજન દ્વારા કોઈ ફેશન બ્રાન્ડ લોન્ચ અથવા પ્રમોટ કરવામાં આવશે.