સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકાના ઓરેગોનમાં શાળામાં ગોળીબાર, 3 બાળકો સહિત 5ના મોત

અમેરિકાના ઓરેગોનમાં શાળામાં ગોળીબાર, 3 બાળકો સહિત 5ના મોત

અમેરિકાના ઓરેગોન રાજ્યના બેન્ડ શહેરમાં આવેલી એક પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટના બની છે. સમાચાર સંસ્થા CNNના અહેવાલ મુજબ, આ ઘટનામાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. હુમલાખોર પણ આ ઘટનામાં માર્યો ગયો હતો.

આ ઘટના સિલ્વર રેલ એલિમેન્ટરી સ્કૂલમાં બની હતી. આ શાળામાં કિન્ડરગાર્ટનથી પાંચમા ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરે છે. શાળામાં લગભગ 450 બાળકો અને આશરે 40 કર્મચારીઓ છે. અહીં સામાન્ય રીતે 5થી 11 વર્ષનાં બાળકો અભ્યાસ કરે છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને શાળાને બંધ કરી દેવામાં આવી હતી. CNNના અહેવાલ મુજબ, શંકાસ્પદ હુમલાખોર 16 વર્ષનો કિશોર હતો. પોલીસ પહોંચે તે પહેલાં જ તેને ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હુમલાખોરને ગોળી કોણે મારી તે હજી સ્પષ્ટ થયું નથી. અધિકારીઓના મતે શક્ય છે કે ઘટનાસ્થળે હાજર કોઈ વ્યક્તિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હોય. પોલીસને સૌથી પહેલાં એક કાર પર ગોળીબાર થયાની જાણકારી મળી હતી.

અમેરિકાની તપાસ એજન્સી FBI પણ સ્થાનિક પોલીસને મદદ કરી રહી છે. FBIના ડિરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે એજન્સીની ટીમ ઘટના સ્થળે હાજર છે અને તપાસ માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. બેન્ડ-લાપાઇન સ્કૂલ્સના સુપરિન્ટેન્ડન્ટ સ્ટીવન કૂકે જણાવ્યું હતું કે શાળાના લોકો આ ઘટનાથી ઊંડા આઘાતમાં છે. તેમણે આ ઘટનાથી પ્રભાવિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં બંદૂકની સંસ્કૃતિને કારણે અવારનવાર ગોળીબારની ઘટનાઓ બનતી રહે છે. તેમાં શાળાઓ અને જાહેર સ્થળોએ ગોળીબાર, ઘરેલુ હિંસા, અકસ્માતો અને આત્મહત્યાની ઘટનાઓમાં બંદૂકનો ઉપયોગ સામેલ છે.

પ્યુ રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, વર્ષ 2024માં અમેરિકામાં બંદૂક સંબંધિત ઘટનાઓમાં 44,447 લોકોના મોત થયા હતા. તેમાંથી આશરે 62 ટકા મોત આત્મહત્યાને કારણે અને 35 ટકા મોત હત્યાને કારણે થયાં હતાં. બાકીના કિસ્સાઓમાં અકસ્માતો, પોલીસની કાર્યવાહી અને અન્ય કારણો સામેલ હતાં.