સત્ય. સાહસ. સંકલ્પ.

ઓરેકલ 10 હજાર કર્મચારીઓને કાઢી મૂકશે? ભારત પર પણ અસરની આશંકા

ઓરેકલ 10 હજાર કર્મચારીઓને કાઢી મૂકશે? ભારત પર પણ અસરની આશંકા

ટેક કંપની ઓરેકલ વિશ્વભરમાં તેના લગભગ 10 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની યોજના બનાવી રહી છે. એવી ચર્ચા છે કે આ છટણીની અસર ભારતમાં કામ કરતા કર્મચારીઓ પર પણ પડી શકે છે. કંપની AI અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચને સંતુલિત કરવા અને ખર્ચમાં ઘટાડો કરવા આ પગલું ભરી રહી છે.

ઓરેકલ મેનેજમેન્ટે તેની અલગ-અલગ ટીમોને ખર્ચ ઘટાડવાના રસ્તા શોધવા જણાવ્યું છે, જેના કારણે આ છટણી કોઈ એક વિભાગ સુધી મર્યાદિત નહીં રહે પરંતુ ઘણા વિભાગોને અસર થઈ શકે છે. આંતરિક સૂત્રો અનુસાર, 7 હજારથી 10 હજાર કર્મચારીઓ પર અસર થવાનો અંદાજ છે, જોકે ઓરેકલ તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

કર્મચારીઓ વચ્ચે સપ્ટેમ્બરમાં છટણી પ્રક્રિયા શરૂ થવાની ચર્ચા છે. પહેલા 1 સપ્ટેમ્બરે જાહેરાત થવાની સંભાવના હતી, પરંતુ હવે 15 સપ્ટેમ્બરની તારીખ માનવામાં આવી રહી છે. ભારત ઓરેકલનું મહત્વપૂર્ણ વૈશ્વિક કેન્દ્ર હોવાથી, અહીં એન્જિનિયરિંગ, ક્લાઉડ સર્વિસિસ, ટેકનોલોજી અને સપોર્ટ ટીમોમાં મોટી સંખ્યામાં લોકો કામ કરે છે, તેથી વૈશ્વિક કપાતનો મોટો હિસ્સો ભારતીય કર્મચારીઓને અસર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ઓરેકલે છેલ્લા એક વર્ષમાં વર્કફોર્સમાં મોટો કાપ મૂક્યો છે. મે 2026ના અંત સુધીમાં ઓરેકલ પાસે લગભગ 1.41 લાખ કર્મચારીઓ હતા, જે એક વર્ષ અગાઉ 1.62 લાખ હતા. એટલે કે 12 મહિનામાં કંપનીએ 21 હજાર કર્મચારીઓ ઘટાડ્યા છે. કંપનીએ તેના વાર્ષિક રિપોર્ટમાં AIના ઉપયોગને કારણે આ કાપને યોગ્ય ઠેરવ્યો છે.

આ છટણી એ સમયે થઈ રહી છે જ્યારે ઓરેકલ AI બૂમ માટે ડેટા સેન્ટર ક્ષમતા અને ક્લાઉડ બિઝનેસ વધારવા માટે ભારે રોકાણ કરી રહી છે. કંપનીએ રીસ્ટ્રક્ચરિંગ પર 1.8 અબજ ડોલર ખર્ચ્યા છે અને રોકાણકારોને ચેતવણી આપી છે કે આ ફેરફારોથી કામગીરી પર અસર પડી શકે છે. આગામી ત્રિમાસિક પરિણામો 11 સપ્ટેમ્બરે જાહેર થવાના છે, પરંતુ ઓરેકલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી આપવામાં આવી નથી.