નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને વિપક્ષી દળોએ દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ધરણાં અને પ્રદર્શન ચાલુ રાખ્યાં છે. 6 ઓક્ટોબરે સંસદથી ચૂંટણી પંચ સુધી કાઢવામાં આવેલી ‘સેવ ડેમોક્રેસી માર્ચ’ને પોલીસે રોકી દીધા બાદ વિપક્ષી નેતાઓએ જુદી-જુદી જગ્યાએ બેસીને વિરોધ કર્યો હતો. પોલીસે તેમને અટકાયતમાં લીધા બાદ થોડા કલાકોમાં છોડી મૂક્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. 7 ઓક્ટોબરે તેમણે વિપક્ષી સાંસદો સાથે જંતરમંતર તરફ કૂચ કરી હતી, પરંતુ પોલીસે તેમને રોકતાં તેઓ રસ્તા પર જ બેસી ગયા હતા અને બાદમાં અટકાયતમાં લેવાયા હતા.
આંદોલનની રણનીતિ અંગે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર આદેશ રાવલે જણાવ્યું કે રાહુલ ગાંધીનો મુખ્ય ઉદ્દેશ 2029ની લોકસભા ચૂંટણી છે. તેઓ દરેક બેઠક પર INDIA બ્લોકના સંયુક્ત ઉમેદવાર ઊભા રાખવા માંગે છે અને એવો સંદેશ આપવા માંગે છે કે ભાજપની જીત મોદીને કારણે નહીં, પણ ચૂંટણી પંચના પક્ષપાતને કારણે થાય છે.
બીજી તરફ, INDIA બ્લોકના 10 સભ્યોના ડેલિગેશનને 9 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવાની મંજૂરી મળી છે. આ ડેલિગેશનમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને મમતા બેનર્જી જેવા નેતાઓ સામેલ થઈ શકે છે. આ સિવાય કોકરોચ જનતા પાર્ટીએ 10 ઓક્ટોબરે જંતરમંતર પર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.
ચૂંટણી પંચે 6 ઓક્ટોબરે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને કહ્યું હતું કે સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ પક્ષે મુલાકાત માટે સમય માંગ્યો નહોતો. બાદમાં પોલીસ દ્વારા જાણવા મળ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં એક ડેલિગેશન આવેદનપત્ર આપવા માંગતું હતું. પંચના જણાવ્યા મુજબ, પ્રોટોકોલ પ્રમાણે આવી બેઠક પંચની કચેરી ખાતે જ થાય છે, પરંતુ સાંસદો સંસદ ભવન એનેસ્કીમાં મળવા માંગતા હતા. આવેદનપત્ર સ્વીકારવા માટે પંચે વરિષ્ઠ અધિકારી મોકલવાની ઓફર કરી હતી, જેને સાંસદોએ નકારી હતી.
ભાજપે વિપક્ષના આંદોલન પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર અરાજકતા ફેલાવવાનો અને બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીને ચૂંટણીમાં મળેલી હારનો સ્વીકાર કરવો જોઈએ.
આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખનારા રાજકીય નિરીક્ષકો માને છે કે આંદોલન આગામી દિવસોમાં વધુ તીવ્ર બની શકે છે. વિપક્ષનું ધ્યાન ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર સવાલ ઊભા કરવા અને તેને જનતા સુધી પહોંચાડવાનું છે.