INDIA ગઠબંધનના 10 નેતાઓના પ્રતિનિધિમંડળે શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે રાષ્ટ્રપતિ પાસે હસ્તક્ષેપ કરવાની માંગ કરી. વિપક્ષે મતદાર યાદીમાં ગેરરીતિ અને ચૂંટણીઓમાં વોટ ચોરીના ગંભીર આરોપો લગાવીને રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપ્યું.
રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પહેલાં વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી વિરોધ માર્ચ કાઢી હતી. વિજય ચોક પર કેટલાક સાંસદો ધરણા પર બેસી ગયા હતા, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ નક્કી કરાયેલા 10 નેતાઓનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ મુર્મુને મળવા માટે પહોંચ્યું હતું. આ ડેલિગેશનમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, એમ.એ. બેબી, ડી. રાજા, રાજીવ રાય, સુપ્રિયા સુલે, ઓમર અબ્દુલ્લા, મનોજ ઝા અને થોલ થિરુમાવલવન સામેલ હતા.
મુલાકાત બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું, 'અમે રાષ્ટ્રપતિ સમક્ષ વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમણે અમારા આરોપોનો ઈનકાર કર્યો નથી અને ન તો તેના પર કોઈ સવાલ ઉઠાવ્યો છે. રાષ્ટ્રપતિએ અમારી પાસેથી વોટ ચોરીના પુરાવા માંગ્યા છે, જે વિપક્ષ તેમને સોંપશે. દેશની જનતા જાણે છે કે અલગ-અલગ રાજ્યોમાં ચૂંટણીઓમાં ગેરરીતિ થઈ છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ લોકશાહીને ખતમ કરી રહ્યા છે, જ્યારે CEC જ્ઞાનેશ કુમાર વોટ ચોરી કરાવી રહ્યા છે. રાષ્ટ્રપતિએ આ મુદ્દા પર વિચાર કરવાની વાત કહી છે અને અમે આગામી સોમવારે CJI સાથે પણ મુલાકાત કરીશું.'
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે સાંસદો પહેલાં ચૂંટણી પંચ અને રાજઘાટ જવા માંગતા હતા, પરંતુ ત્યાં તેમને રોકવામાં આવ્યા હતા, જેથી હવે તેઓ સોમવારે સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆત કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, 'પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ સમક્ષ પોતાની વાત મૂકી છે અને ચૂંટણીમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે. અમે રાષ્ટ્રપતિ સમક્ષ ફરીથી ચૂંટણી યોજવા તેમજ ઈવીએમ (EVM) હટાવીને બેલેટ પેપરથી મતદાન કરાવવાની સ્પષ્ટ માંગણી કરી છે. રાષ્ટ્રપતિએ અમારી પાસેથી આ તમામ બાબતોના પુરાવા માંગ્યા છે, જે અમે તેમને આપીશું.'
તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું, 'રાષ્ટ્રપતિએ વિપક્ષની વાત સાંભળી છે અને સકારાત્મક વલણ દાખવ્યું છે. પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને વોટ ચોરીના મામલામાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને દેશના બંધારણનું રક્ષણ કરવા માટે અપીલ કરી છે. સમગ્ર વિપક્ષ આ મામલા સાથે જોડાયેલા તમામ પુરાવાઓ ટૂંક સમયમાં જ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરશે.'