સત્ય. સાહસ. સંકલ્પ.

વિપક્ષી પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને મળી વોટ ચોરીની ચિંતા રજૂ કરી, રાહુલ ગાંધી બોલ્યા- પુરાવા આપશું

વિપક્ષી પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને મળી વોટ ચોરીની ચિંતા રજૂ કરી, રાહુલ ગાંધી બોલ્યા- પુરાવા આપશું

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી પ્રતિનિધિમંડળે શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ચૂંટણી પંચની કામગીરી અંગેની ચિંતાઓ રજૂ કરવામાં આવી હતી.

વિપક્ષી સાંસદો સેન્ટ્રલ હોલથી સીધા રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. આ દરમિયાન વિપક્ષના અન્ય સાંસદોએ વિજય ચોક ખાતે ધરણો ચાલુ રાખ્યો હતો. મુલાકાતમાં વોટ ચોરી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના મુદ્દા ચર્ચાયા હતા.

રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે "મને અપેક્ષા નહોતી, પણ રાષ્ટ્રપતિએ વોટ ચોરી અંગેની અમારી ચિંતાઓ સાંભળી અને આ વાતને નકારી નથી. જ્યારે તેમણે પૂછ્યું કે અમે તે કેવી રીતે સાબિત કરીશું, ત્યારે અમે કહ્યું કે અમારું પ્રતિનિધિમંડળ તેમને પુરાવા પૂરા પાડશે."

આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે વિપક્ષે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) હટાવીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.

રાષ્ટ્રપતિને મળેલા ઇન્ડિયા એલાયન્સના નેતાઓમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સુપ્રિયા સુલે, મમતા બેનર્જી, રાજીવ રાય, મનોજ ઝા, ડી. રાજા અને ઓમર અબ્દુલ્લાનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ જ પ્રતિનિધિમંડળ સોમવાર, 12 ઓક્ટોબરે મુખ્ય ન્યાયાધીશ (CJI) ને મેમોરેન્ડમ આપશે.