મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત માટે સમય માંગ્યો હતો. રાષ્ટ્રપતિ ભવન તરફથી આજે રાત્રે 8 વાગ્યે વિપક્ષી ડેલિગેશનને મળવાનો સમય આપવામાં આવ્યો છે.
આ પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસ તરફથી મમતા બેનર્જી, નેશનલ કોન્ફરન્સ તરફથી ઓમર અબ્દુલ્લા, CPI(M) તરફથી એમએ બેબી, CPI તરફથી ડી. રાજા, NCP (શરદ પવાર) તરફથી સુપ્રિયા સુલે, VCK તરફથી થિરુમાવલવન, RJD તરફથી મનોજ ઝા અને સમાજવાદી પાર્ટી તરફથી રાજીવ રાય સામેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ સમક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર સામે ફરિયાદ કરશે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે આ મુદ્દે INDIA ગઠબંધનમાં સર્વસંમતિ નથી. કોંગ્રેસના નેતૃત્વથી સહયોગી પક્ષોમાં અસંતોષ છે. આથી જ શરદ પવાર, તેજસ્વી યાદવ અને અખિલેશ યાદવ જેવા નેતાઓ આ પ્રતિનિધિમંડળમાં સામેલ નથી.
મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવા માટે કાયદામાં ચોક્કસ પ્રક્રિયા છે. તેમને ફક્ત બે આધારો પર હટાવી શકાય: સાબિત થયેલું ગેરવર્તન અથવા અસમર્થતા. આ માટે સંસદમાં મહાભિયોગ જેવી પ્રક્રિયા હેઠળ પ્રસ્તાવ લાવવો પડે, જેમાં લોકસભાના 100 સભ્યો અથવા રાજ્યસભાના 50 સભ્યોની સહી જરૂરી છે.
સહી થયેલો પ્રસ્તાવ સંબંધિત ગૃહના અધ્યક્ષ સમક્ષ રજૂ કરવામાં આવે છે. જો અધ્યક્ષ તેને સ્વીકારે, તો તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવે છે, જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક જાણીતા કાયદાવિદનો સમાવેશ થાય છે. મુખ્ય ચૂંટણી કમિશનરને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળે છે. જો આરોપો સાબિત ન થાય તો પ્રસ્તાવ રદ થઈ જાય છે.
આ બેઠકમાં રાષ્ટ્રપતિ વિપક્ષને આ કાનૂની પ્રક્રિયાથી વાકેફ કરી શકે છે.