નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને 19 વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ 'સેવ ડેમોક્રેસી' માર્ચ કાઢી હતી. સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધીની આ માર્ચને પોલીસે રોકી દેતાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી સાંસદો રસ્તા પર બેસી ગયા હતા.
સાંસદો 'લોકતંત્ર બચાવો' અને 'સેવ ડેમોક્રેસી' જેવા બેનર લઈને પહોંચ્યા હતા અને 'જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો'ના નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીના હાથમાં 'જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો' લખેલું પોસ્ટર હતું. સંસદ માર્ગ, જંતર-મંતર અને ચૂંટણી પંચની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ માર્ચમાં AAP અને DMK સામેલ નહોતા.
ઉલ્લેખનીય છે કે, INDIA ગઠબંધને 11 ઓગસ્ટ 2025ના રોજ પણ સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કાઢી હતી. તેમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, શરદ પવાર સહિત 25 વિપક્ષી પાર્ટીઓ સામેલ થઈ હતી.
વિપક્ષી ગઠબંધને કુલ પાંચ માંગણી રજૂ કરી છે. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેન્દ્ર કુમારનું રાજીનામું, મતદાર યાદીમાં પારદર્શિતા, SIR (વિશેષ સંક્ષિપ્ત સુધારણા) અંગે સવાલ, EVMની જગ્યાએ બેલેટ પેપરનો ઉપયોગ અને વિપક્ષી દળોને એકજૂથ થવાની અપીલનો સમાવેશ થાય છે.
RJD સાંસદ મનોજ ઝાએ જ્ઞાનેશ કુમારને 'કઠપૂતળી' ગણાવ્યા હતા, જ્યારે સપાના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે જ્ઞાનેશ કુમારના રાજીનામા સુધી વિરોધ ચાલુ રહેશે. સપા સાંસદ જયા બચ્ચન PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક) સંબંધિત પોસ્ટર લઈને પહોંચ્યાં હતાં. સપાના સાંસદ નીતિ આયોગની બહારના બેરિકેડ્સ પર ચઢ્યા હતા.
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ છેલ્લા પાંચ દિવસમાં આ પાંચમું પ્રદર્શન હતું. 2 ઑક્ટોબરે દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન 1,100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. 3 ઑક્ટોબરે 160 લોકોની અટકાયત અને 3 FIR નોંધાઈ હતી. 4 ઑક્ટોબરે દિલ્હીમાં ઈન્ડિયા ગેટથી જંતર-મંતર સુધી માર્ચ કાઢવામાં આવી હતી અને મુંબઈમાં હજારો લોકો એકત્ર થયા હતા. 5 ઑક્ટોબરે વિરોધ ચાલુ રહ્યો હતો અને પોલીસ કાર્યવાહીને લઈને વિવાદ થયો હતો.
આ માર્ચને કારણે દિલ્હીમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.