સત્ય. સાહસ. સંકલ્પ.

રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે વિપક્ષની મહારેલી, દિલ્હીના વેપારીઓની ચિંતા

રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે વિપક્ષની મહારેલી, દિલ્હીના વેપારીઓની ચિંતા

દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન 'વોટ બચાવો, દેશ બચાવો'ના સૂત્ર હેઠળ મહારેલી યોજવાની તૈયારીમાં છે. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આ રેલીનું કેન્દ્ર ચૂંટણી પંચની વિશેષ સંક્ષિપ્ત પુનરાવલોકન (SIR) પ્રક્રિયા છે.

પંચનું કહેવું છે કે SIR પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીમાંથી મૃતકો, ડુપ્લિકેટ મતદારો અને સ્થળાંતર કરનારા લોકોના નામ દૂર કરી યાદીને સાફસૂફ બનાવવાનો છે. વિપક્ષનો આક્ષેપ છે કે આ પ્રક્રિયાના નામે ઘણા જીવતા અને કાયદેસર મતદારોના નામ પણ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

કૉંગ્રેસે રેલીમાં 10 લાખ લોકો ભેગા થવાનો લક્ષ્ય રાખ્યો છે. રાહુલ ગાંધી ઉપરાંત કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને ઈન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓ મંચ પરથી ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવવાના છે. મમતા બેનરજી, અખિલેશ યાદવ, ડાબેરી પક્ષો અને આમ આદમી પાર્ટી સહિતના નેતાઓને રેલીમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. કોક્રોચ જનતા પાર્ટીએ પણ રેલીને સમર્થન આપ્યું છે. જ્યારે AIMIMએ રેલીથી દૂર રહેવાનું જણાવ્યું છે. વિપક્ષી નેતાઓને એક મંચ પર લાવવાની જવાબદારી કે. સી. વેણુગોપાલને સોંપાઈ હોવાનું જણાવાય છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષે આકરો વલણ અપનાવ્યો છે. સંસદમાં તેમની સામે મહાભિયોગનો પ્રયાસ સફળ ન થતાં હવે જનતાની અદાલતમાં પ્રતીકાત્મક જાહેર અભિયોગ કરવાની યોજના છે, જેમાં પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર અધ્યક્ષતા કરશે.

બીજી તરફ દિલ્હીના વેપારી સંગઠન CTIએ કૉંગ્રેસને વિનંતી કરી છે કે શક્ય હોય તો રેલી 10 નવેમ્બર પછી કરવામાં આવે. રામલીલા મેદાનની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં 21 મોટા બજારો આવેલા છે અને આ દિવસોમાં ધનતેરસ સહિતના તહેવારો પડતા હોવાથી દિલ્હીમાં આશરે 25 હજાર કરોડ રૂપિયાનો વેપાર થવાનો અંદાજ છે. રેલીમાં મોટી ભીડ અને 15થી 20 હજાર વાહનો આવે તો ટ્રાફિકના કારણે વેપારીઓને નુકસાન થવાની શક્યતા છે.