સત્ય. સાહસ. સંકલ્પ.

ઓપરેશન સિંદૂર: S-400એ 314 કિમી દૂરથી પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું, રક્ષા મંત્રાલયનો રિપોર્ટ

ઓપરેશન સિંદૂર: S-400એ 314 કિમી દૂરથી પાકિસ્તાની વિમાનને તોડી પાડ્યું, રક્ષા મંત્રાલયનો રિપોર્ટ

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાની S-400 એર ડિફેન્સ સિસ્ટમે 314 કિલોમીટર દૂરથી પાકિસ્તાનના એક વિમાનને તોડી પાડ્યું હતું. રક્ષા મંત્રાલયના વાર્ષિક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, આ ભારત દ્વારા જમીનથી હવામાં કરાયેલા સૌથી લાંબા અંતરના હુમલાઓમાંથી એક છે. આ કાર્યવાહીએ વાયુસેનાની લાંબા અંતરની એર ડિફેન્સ ક્ષમતા દર્શાવી. સાથે જ એ સંદેશ પણ આપ્યો કે દુશ્મનનું વિમાન ગમે તેટલા અંતરે હોય, તે ભારતીય એર ડિફેન્સથી સુરક્ષિત રહી શકશે નહીં.

રિપોર્ટ મુજબ, S-400એ પાકિસ્તાની વિમાનના ખતરાને ટ્રેક કર્યો. ત્યારબાદ લાંબા અંતરની જમીનથી હવામાં માર કરતી ગાઇડેડ મિસાઇલને ટાર્ગેટ તરફ દિશા આપવામાં આવી. મિસાઇલે પાકિસ્તાની વિમાન પર સચોટ નિશાન સાધ્યું. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ઘટના S-400ની ક્ષમતા દર્શાવે છે, જે ખૂબ દૂર રહેલા લક્ષ્યોને પણ નિશાન બનાવી શકે છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ દેશની હવાઈ સુરક્ષા સંભાળી હતી. એર ડિફેન્સને ઇન્ટિગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (IACCS) દ્વારા નિયંત્રિત અને સંકલિત કરવામાં આવ્યું. IACCSએ લશ્કરી અને નાગરિક રડારની માહિતીને એકસાથે જોડી, જેથી આકાશમાંના વિમાનો અને અન્ય લક્ષ્યોને ઓળખવાનું સરળ બન્યું. વાયુસેનાની નેટવર્ક સિસ્ટમ અને પ્રશિક્ષિત અધિકારીઓએ લશ્કરી અને નાગરિક વિમાનો વચ્ચે ભેદ પારખવામાં મદદ કરી, જેથી કોઈ નાગરિક વિમાનને ભૂલથી નિશાન બનાવવાનું જોખમ ઘટ્યું.

રિપોર્ટમાં જણાવાયું છે કે સંઘર્ષ દરમિયાન પાકિસ્તાને જાણી જોઈને પોતાનું એરસ્પેસ ખુલ્લું રાખ્યું હતું અને નાગરિક ફ્લાઇટ્સ ચાલુ રહી હતી. આથી ભારતની કાર્યવાહીમાં નાગરિક વિમાન નિશાન બનવાની આશંકા હતી.

22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ વિરુદ્ધ 7થી 10 મે દરમિયાન ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. ભારતીય સેનાએ મિસાઇલ અને ડ્રોન હુમલાઓ દ્વારા અનેક આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

રિપોર્ટમાં ભારતની રણનીતિને ‘સૈન્ય તાકાત બતાવીને દબાણ બનાવવું’ કહેવામાં આવી છે, એટલે કે એટલી સૈન્ય તાકાત દર્શાવવી કે સામેવાળો દેશ પોતાની કાર્યવાહી રોકવા મજબૂર થઈ જાય. ભારતની સચોટ સૈન્ય કાર્યવાહી પછી પાકિસ્તાને તણાવ ઘટાડવાની દિશામાં પગલાં લેવા પડ્યા હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે.

S-400 ટ્રાયમ્ફ રશિયાની અદ્યતન મિસાઇલ સિસ્ટમ છે, જેને 2007માં લોન્ચ કરવામાં આવી હતી. આ સિસ્ટમ ફાઇટર જેટ, બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલ, ડ્રોન તેમજ સ્ટેલ્થ વિમાનોને પણ તોડી પાડી શકે છે. તે હવામાંના અનેક પ્રકારના જોખમોથી બચાવ માટે મજબૂત ઢાલ તરીકે કામ કરે છે અને દુનિયાની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ્સમાં ગણાય છે.

S-400ની એક સ્ક્વોડ્રનમાં 256 મિસાઇલ હોય છે. ભારત પાસે હાલમાં ત્રણ સ્ક્વોડ્રન છે, જે અલગ-અલગ સરહદો પર તૈનાત છે. પ્રથમ સ્ક્વોડ્રન પંજાબમાં તૈનાત છે, જે ભારતને 2021માં મળી હતી. બીજી સ્ક્વોડ્રન સિક્કિમમાં ચીન સરહદ પર તૈનાત છે, જે જુલાઈ 2022માં મળી હતી. ત્રીજી સ્ક્વોડ્રન રાજસ્થાન-ગુજરાત અથવા પંજાબ-રાજસ્થાન સરહદ પર તૈનાત છે, જે ફેબ્રુઆરી 2023માં મળી હતી અને જે પશ્ચિમી સરહદની સુરક્ષા મજબૂત બનાવે છે.