અભિનેતા કાર્તિક આર્યન ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ઓપરેશન સિંદૂર’માં મુખ્ય ભૂમિકા ભજવશે. વૈરાયટી ઈન્ડિયાના એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.
આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ કે.જે.એસ. ‘ટાઇની’ ધિલ્લોનની પુસ્તક ‘ઓપરેશન સિંદૂર: ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાકિસ્તાન’ પર આધારિત હશે.
વિવેક અગ્નિહોત્રીએ માર્ચમાં સોશિયલ મીડિયા પર આ ફિલ્મની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મની વાર્તા પહેલગામ આતંકવાદી હુમલા બાદની ઘટનાઓ પર આધારિત હશે. આ માટે ભારતીય સેનાની અલગ-અલગ ટીમો સાથે મળીને સંશોધન કરવામાં આવ્યું છે.
વિવેકના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં તે સૈન્ય અભિયાનની વાર્તા દર્શાવવામાં આવશે, જેની અસર સમગ્ર વિસ્તારની સુરક્ષા પર પડી હતી. ફિલ્મમાં વાસ્તવિક ઘટનાઓને તથ્યો સાથે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
જનરલ કે.જે.એસ. ‘ટાઈની’ ધિલ્લોન સાથે વિવેકે તસવીર શેર કરી હતી.
ફિલ્મને લઈને ભૂષણ કુમારે કહ્યું હતું કે આ વાર્તા પોતે જ સામે આવી છે અને તેને જવાબદારીપૂર્વક દર્શાવવી જરૂરી છે. તેમણે તેને દેશની એક મહત્વની ઘટનાને નોંધવાનો પ્રયાસ ગણાવ્યો.
ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારની ટી-સિરીઝ અને વિવેક અગ્નિહોત્રીના બેનર આઈ એમ બુદ્ધા પ્રોડક્શન્સ મળીને કરશે. આ પહેલીવાર છે જ્યારે વિવેક અગ્નિહોત્રી અને કાર્તિક આર્યન કોઈ ફિલ્મમાં સાથે કામ કરશે.
વિવેક આ પહેલાં ‘ધ તાશકંદ ફાઇલ્સ’, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, ‘ધ વેક્સિન વૉર’ અને ‘ધ બંગાળ ફાઇલ્સ’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યા છે.
‘ઓપરેશન સિંદૂર’ પર બનનારી ફિલ્મ ભૂષણ કુમારની ટી-સિરીઝ અને વિવેક અગ્નિહોત્રીની ‘આઈ એમ બુદ્ધા’ પ્રોડક્શન્સનું પ્રથમ મોટું કોલેબોરેશન છે.
ઓપરેશન સિંદૂર 7 મે 2025ના રોજ પાકિસ્તાન અને POKમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય સેનાની કાર્યવાહી હતી. આ કાર્યવાહી 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી હતી, જેમાં 26 લોકોનાં મોત થયાં હતાં. ઓપરેશન સિંદૂરનો હેતુ હુમલા માટે જવાબદાર આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવાનો હતો.
કાર્તિક હાલમાં શિમિત અમીનની ફિલ્મ ‘કેપ્ટન ઇન્ડિયા’નું શૂટિંગ કરી રહ્યા છે. યમનમાં હૂતી સંઘર્ષની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ ‘ઓપરેશન સિંદૂર’ પર કામ શરૂ કરશે.
કાર્તિકની આગામી ફિલ્મ ‘નાગઝિલા’ 12 ફેબ્રુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. કરણ જોહર અને મહાવીર જૈનના નિર્માણ હેઠળ બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન મૃગદીપ સિંહ લાંબા કરી રહ્યા છે. આ ફિલ્મથી પ્રીતિ મુખુન્દન હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કરશે.
આ ઉપરાંત, અનુરાગ બસુના દિગ્દર્શન હેઠળ બની રહેલી કાર્તિક અને શ્રીલીલાની અનટાઇટલ્ડ મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 30 એપ્રિલ 2027ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે.
કાર્તિક, કબીર ખાન સાથે એક અનટાઇટલ્ડ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામામાં પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરની યુવા ખેલાડી તજામુલ ઇસ્લામના જીવનથી પ્રેરિત છે, જે બે વખત કિકબૉક્સિંગમાં વિશ્વ ચેમ્પિયન બની ચૂકી છે. ફિલ્મનું સહ-નિર્માણ અપ્લૉઝ એન્ટરટેઇનમેન્ટ અને કાર્તિક આર્યન કરશે.
આ ઉપરાંત, કાર્તિક પાસે અનીસ બઝ્મીની ‘ભૂલ ભુલૈયા 4’ અને કરણ જોહરની ‘કાલિયા’ પણ છે.