ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ સામેની કાર્યવાહી હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ઓપરેશન ગંગાજળ અંતર્ગત વધુ બે ઉચ્ચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. આ અધિકારીઓમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા વિકાસ અધિકારી (TDO) એચ. એફ. ભુવાત્રા અને ભાવનગર જિલ્લાના શિહોર TDO એમ. બી. રાવનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાણપુરના TDO ભુવાત્રા સામેની તપાસ પૂર્ણ થયા બાદ તેમને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે, જ્યારે શિહોરના TDO રાવ સામેની તપાસ હજુ ચાલુ રહેશે. આ કાર્યવાહી અગાઉ પણ ગઈકાલે બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા, જેનાથી ઓપરેશન ગંગાજળ વધુ તેજ બન્યું છે. 27 ઓક્ટોબરે પણ બે અધિકારીઓને નિવૃત્ત કરાયા હતા.
રાજ્યમાં અત્યાર સુધીમાં ઓપરેશન ગંગાજળ હેઠળ અંદાજે 89 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ વહીવટી તંત્રમાં શિસ્ત અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. આ અભિયાન હેઠળ ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લેવાઈ રહ્યાં છે.