ગુજરાત સરકારે ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓના આરોપો સામેની કાર્યવાહી હેઠળ 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત વધુ બે વરિષ્ઠ ગુજરાત વહીવટી સેવા (GAS) અધિકારીઓને સમય પહેલાં નિવૃત્ત કર્યા છે. સરકારના નિર્ણય મુજબ ડી.આઈ. ભગલાણી અને જે.એમ. તુવરને તેમની નિયમિત નિવૃત્તિની ઉંમર પહેલાં સેવામુક્ત કરવામાં આવ્યા છે.
જે.એમ. તુવર સામે કચ્છમાં ફરજ દરમિયાન ગેરરીતિઓના સંદર્ભમાં કાર્યવાહી થયાની ચર્ચા છે. આ અગાઉ IAS અધિકારીઓ કે. રાજેશ અને ગૌરવ દહિયા સામે પણ સમય પહેલાં નિવૃત્તિની કાર્યવાહી થઈ ચૂકી છે.
આ ઉપરાંત, બિટકોઇન કૌભાંડને કારણે ચર્ચામાં આવેલા IPS અધિકારી જગદીશ પટેલને પણ 'ઓપરેશન ગંગાજળ' હેઠળ નોટિસ આપવામાં આવી હોવાની માહિતી છે. વર્ષ 2017-18 દરમિયાન અમરેલીમાં DSP તરીકે ફરજ બજાવતી વખતે બિટકોઇન સંબંધિત કેસમાં તેમનું નામ સામે આવ્યું હતું. આ પ્રકરણમાં અગાઉ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સેવામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કેસમાં તત્કાલીન ધારાસભ્ય સહિત 14 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
IPS કેડરના અધિકારી હોવાથી જગદીશ પટેલ સામેની અંતિમ કાર્યવાહી કેન્દ્ર સરકારના અધિકારક્ષેત્ર હેઠળ આવશે કે કેમ, તે સંબંધિત સત્તાવાર પ્રક્રિયા અને આદેશથી સ્પષ્ટ થશે.
'ઓપરેશન ગંગાજળ' હેઠળ અત્યાર સુધી IAS, IPS, GAS, GPS સહિત રાજ્ય કેડરના ક્લાસ-1 અને ક્લાસ-2ના 81થી વધુ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.