ચેટજીપીટી બનાવનારી કંપની OpenAI એ 'ડોટ્સ' નામનું નવું ટૂલ લોન્ચ કર્યું છે. આ ટૂલ સાદા ચેટબોટ જેવું નથી. તે તમે કહો તે પહેલાં જ ઘણું ડિજિટલ કામ જાતે પૂરું કરી શકે છે.
દા.ત. સસ્તી ફ્લાઇટ ટિકિટ શોધવી કે મનગમતી હોટેલમાં રૂમ બુક કરાવવો હોય, તો હવે કલાકો સુધી સ્ક્રીન પર માથાપચ્ચી કરવાની જરૂર નથી. ડોટ્સ આ કામ આપમેળે કરી આપશે.
OpenAI એ આ ટૂલ તાજેતરમાં લોન્ચ થયેલા મેટાના 'મ્યુઝ' સામે ટક્કર આપવા માટે લાવ્યું છે.
ડોટ્સ પાસે ઇન્ટરનેટ પર ચાલતું ક્લાઉડ કમ્પ્યુટર અને બ્રાઉઝર છે. તમારો ફોન કે લેપટોપ બંધ હોય તો પણ તે બેકગ્રાઉન્ડમાં તમે સોંપેલું કામ પૂરું કરતું રહે છે. હાલ આ સુવિધા ફક્ત પ્રો અને બિઝનેસ જેવા પેઇડ પ્રીમિયમ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.
સેન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલા કાર્યક્રમમાં કંપનીના CEO સેમ ઓલ્ટમેને કહ્યું કે આ AI એજન્ટ યુઝર વતી પોતે નિર્ણય લઈને કામ પૂરું કરી શકે છે.
OpenAI મુજબ, યુઝર્સ ડોટ્સને 4,000થી વધુ એપ્સ સાથે જોડી શકે છે. તેને ચેટજીપીટી ઉપરાંત સ્લેક અને માઇક્રોસોફ્ટ ટીમ્સ જેવા પ્લેટફોર્મ પરથી પણ ચલાવી શકાય છે.
ઉદાહરણ તરીકે, તમારે ગ્રાહકોના ફીડબેક પર નજર રાખવી હોય તો ડોટ્સને તે કામે લગાવી શકો છો. સોફ્ટવેરની ભૂલો (બગ્સ) શોધવા, તેને ઠીક કરવા અને નવા કોડનું ટેસ્ટિંગ કરવા જેવા કામ પણ ડોટ્સ સંભાળી શકે છે.
OpenAI કંપનીઓ માટે ખાસ પ્રકારના 'સ્પેશિયાલિસ્ટ ડોટ્સ' પણ બનાવી રહી છે. આ ઇન્વૉઇસ પ્રોસેસિંગ, કસ્ટમર સપોર્ટ અને પ્રોક્યોરમેન્ટ જેવાં કામ સંભાળશે.
કંપનીનું કહેવું છે કે ડોટ્સ એવાં કામ પણ કરી શકે છે, જે સમય સાથે બદલાતાં રહે છે. તે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો ટ્રૅક કરી શકે, પ્રપોઝલ અપડેટ કરી શકે અને માનવીય દખલની જરૂર પડે તો યુઝરને જાણ કરી શકે.
મેટાએ 8 સપ્ટેમ્બરે પોતાનું પર્સનલ AI એજન્ટ 'મ્યુઝ' લોન્ચ કર્યું હતું. આ સિસ્ટમ યુઝરની જરૂરિયાત સમજીને પોતાની રીતે યોજના બનાવે છે અને કામ પૂરું કરે છે. યુઝર એપ બંધ કરે તો પણ તે બેકગ્રાઉન્ડમાં કામ કરતું રહે છે. કામ પૂરું થાય કે યુઝરની મંજૂરીની જરૂર પડે ત્યારે તે સ્ક્રીન પર નોટિફિકેશન મોકલે છે.
આ રીતે સમજો: તમે ઇન્સ્ટાગ્રામ પર કોઈ વાનગી બનાવવાની રીલ સેવ કરો છો, તો 'મ્યુઝ' પોતે સમજી જશે કે તેમાં કઈ-કઈ સામગ્રીની જરૂર પડશે. પછી તે તમારા માટે બજારમાંથી ખરીદવાની જરૂરી વસ્તુઓની યાદી બનાવી દેશે. તે જ રીતે, ડિનરનું આયોજન કરતી વખતે તે ધ્યાન રાખશે કે તમને ખાવામાં શું ગમે છે અને શું નહીં.
ડોટ્સ અને મ્યુઝ જેવા નવા AI એજન્ટ્સ ચેટબોટ્સથી સાવ અલગ છે. સામાન્ય ચેટબોટમાં દરેક પ્રશ્ન ટાઇપ કરવો પડે અને જવાબની રાહ જોવી પડે. એજન્ટને તમે ફક્ત કામ જણાવો, પછી આખું કામ પોતે પૂરું કરી લે છે.
પોતે કામ કરતા AI એજન્ટ જેટલા મદદરૂપ છે, તેમની સાથેનું જોખમ પણ તેટલું જ મોટું છે. સિસ્ટમથી ભૂલ થાય તો યુઝરને નુકસાન થઈ શકે છે.
તાજેતરમાં ટેક યુટ્યુબર મેટ રોબે જણાવ્યું કે જ્યારે તેમણે પોતાના ફેસબુક માર્કેટપ્લેસની જવાબદારી મ્યુઝને સોંપી, ત્યારે તેણે પૂછ્યા વગર તેમનું ઘરનું સરનામું ખરીદદારને મોકલી દીધું. મ્યુઝે તેમની પરવાનગી લીધા વગર ઓછી કિંમતે સોદો પણ નક્કી કરી દીધો.
સુરક્ષા સંબંધિત આવી જ ચિંતાઓના કારણે એમેઝોને મ્યુઝને પોતાના પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધું છે.
AI એજન્ટ્સ પોતે નિર્ણય લેતા હોવાથી એક વિવાદ ઊભો થયો છે: કોઈ ગડબડ કે નુકસાન માટે જવાબદાર કોને ગણવામાં આવશે? AI કંપની એન્થ્રોપિકે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કંપની મુજબ, હાલ એ સ્પષ્ટ નથી કે વર્તમાન કાયદા આ એજન્ટ્સ પર કેવી રીતે લાગુ થશે.
મુખ્ય પ્રશ્ન એ છે કે એજન્ટ દ્વારા લેવાયેલો નિર્ણય યુઝર પર કાયદેસર રીતે બંધનકારક ગણાશે કે નહીં, અને આ AI સિસ્ટમ્સને 'પ્રોડક્ટ'માં ગણવામાં આવશે કે 'સર્વિસ'માં.