વૉશિંગ્ટન: અમેરિકાના આઠ રાજ્યોએ ઓપનએઆઈના ચેટબોટ ચેટજીપીટી સામે કોર્ટમાં દાવો માંડ્યો છે. આ રાજ્યોમાં લોવા, એરિઝોના, અર્કાન્સેસ, ઈડાહો, કેન્સાસ, મોન્ટાના, નેબ્રાસ્કા અને પશ્વિમ વર્જિનિયાનો સમાવેશ થાય છે.
અરજીમાં આરોપ લગાવાયો છે કે ચેટજીપીટી બાળકો અને કિશોરોને ખોટી દવાઓની માહિતી આપે છે, તેમને ભ્રમિત કરે છે અને આત્મહત્યા કરવા ઉશ્કેરે છે. તે બાળકોનો વિશ્વાસુ સાથી હોવાનો ઢોંગ કરીને તેમને ગેરમાર્ગે દોરે છે.
આ રાજ્યોના એટર્નીએ પહેલા જુદી જુદી અરજી કરી હતી, પરંતુ હવે તેમણે સંયુક્ત રીતે કંપની સામે કેસ લડવાની જાહેરાત કરી છે. સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે આ પ્રકારનું સંયુક્ત પગલું એઆઈ કંપની સામે કાયદાની રીતે પહેલી વખત લેવામાં આવ્યું છે. દરેક રાજ્યની અરજીમાં ટીનેજર્સ અને બાળકો ઉપરાંત તમામ યુઝર્સના સંદર્ભમાં જુદી જુદી બાબતોની જાણકારી આપવામાં આવી હતી, જેને સંયુક્ત અરજીમાં સમાવવામાં આવી છે.
ઓપનએઆઈએ બચાવમાં કહ્યું છે કે ચેટજીપીટીમાં બાળકોના રક્ષણ માટે અલગ ફીચર્સ છે અને તેને વધુ અસરકારક બનાવવા પર કામ ચાલી રહ્યું છે. કંપનીએ એમ પણ જણાવ્યું કે જે મોડલથી સમસ્યાઓ થઈ રહી છે તેની સમીક્ષા પ્રક્રિયા ચાલુ છે.