અંકલેશ્વરમાં દુધીયાપીર દરગાહ પાસે ગટર લાઇનના ખાડામાં એક્ટિવા ખાબકતાં રાકેશ વસાવા નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રામકુંડ સ્મશાન ઘાટેથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટના બાદ કોંગ્રેસના નગરસેવક જહાંગીર પઠાણે આરોપ મૂક્યો છે કે દોઢ મહિના પહેલાં જ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કામગીરી થઈ નથી. તેમણે પાલિકા સત્તાધીશો સામે ગુનો નોંધવા અને વળતર આપવાની માંગ કરી છે. બીજી તરફ પાલિકા પ્રમુખ જીગ્નેશ અંડારિયાએ કહ્યું છે કે વરસાદને કારણે ખાડો પડ્યો હોવાની શક્યતા છે અને અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે ખુલ્લી ગટરમાં પડી જવાથી બે વર્ષીય માસૂમ વિહાન શૈલેષ રાઠોડનું કરૂણ મોત નીપજ્યું છે. રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, જેમાં બાળક ખાબક્યું હતું. કલાકોની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. આ ઘટનાથી ગામમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે કપડાં ધોવા માટે ઢાંકણાં હટાવવામાં આવતાં હતાં, જે બાદ પંચાયતે તાબડતોબ નવું ઢાંકણું બેસાડ્યું હતું.
ભરૂચના વાલિયા તાલુકાના મોદલીયા ગામે ખુલ્લી ગટરમાં પડી જતાં ચાર વર્ષની માસૂમ આરોહી વસાવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પીપળી ફળિયામાં ઘર પાસે અન્ય બાળકો સાથે રમતી વખતે બાળકી અચાનક ગટરમાં ઊંધા માથે પડી ગઈ હતી. પરિજનો તેને બેભાન હાલતમાં પ્રથમ નેત્રંગ અને ત્યારબાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. આમોદ બાદ વાલિયામાં બનેલી આ બીજી ઘટનાથી સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગ્રામ પંચાયતની લાપરવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.